Site icon Revoi.in

ગુજરાત હાઈકોર્ટે વડોદરાના બોટકાંડ કેસમાં તત્કાલિન મ્યુનિ. કમિશનર સામે કર્યો તપાસનો આદેશ

Social Share

અમદાવાદઃ વડોદરામાં હરણી બોટકાંડમાં નિર્દોષ બાળકોના મોતના બનાવમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટોની સુનાવણીમાં હાઈકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસનો શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને આદેશ આપ્યો છે. આ તપાસ IAS નિયમોના પરિપ્રેક્ષ્યમાં થશે. આ ઉપરાંત હાઇકોર્ટે સવાલ કર્યો કે કોન્ટ્રાકટર પાસે લાયકાત ના હોવાથી પહેલી વખત કોન્ટ્રેક્ટ નહોતો અપાયો ત્યારબાદ ફક્ત બે મહિનામાં  લાયકાતને યોગ્ય ગણીને કેવી રીતે કોન્ટ્રાક્ટ અપાયો હતો ?

વડોદરા હરણી લેક બોટકાંડની સુઓમોટો રિટની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનવણી હાથ ધરાઇ હતી. ગત સુનવણીમાં કોર્ટે હરણી તળાવ રી-ડેવલોપમેન્ટ કોન્ટ્રાક્ટ આપવાના તમામ રેકોર્ડ કોર્ટ સમક્ષ મૂકવા જણાવ્યું હતું. જે મુદ્દે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે સોગંદનામા ઉપર તમામ રેકોર્ડ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. વડોદરા મ્યુનિ.ના એડવોકેટે જણાવ્યું હતું કે આ કેસ સંદર્ભે કુલ 11 ફાઇલો છે, જે આશરે 04 હજાર પાનાની છે.

વડોદરા મ્યુનિ, દ્વારા કરાયેલી એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે સૌપ્રથમ જ્યારે હરણી તળાવને વિકસિત કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે બે વ્યક્તિઓએ બીડ ભરી હતી. પરંતુ સપ્ટેમ્બર 2015માં યોગ્ય ક્વોલિફિકેશન ના હોવાથી બંને બીડ રિજેક્ટ કરવામાં આવી હતી. જેમાં કોટિયા પ્રોજેક્ટસ પાસે છેલ્લા ત્રણ વર્ષમાં પૂરતી આર્થિક ક્ષમતા ન હોવાથી તેને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નહોતો. ફરી વખત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ ઉપર હરણી તળાવ વિકસાવવાની જાહેરાત આપવામા આવી હતી. જેમાં પણ બે લોકોએ ભાગ લીધો હતો. પરંતુ ફક્ત કોટિયા પ્રોજેક્ટ્સ દ્વારા બીડ ભરવામાં આવી હતી. જેમાં કોટિયા પ્રોજેક્ટ્સની બીડ મંજૂર રાખવામાં આવી હતી.

આ મુદ્દે હાઈકોર્ટે સવાલ પૂછ્યો હતો કે, ફક્ત બે મહિનાની અંદર કેવી રીતે કોટિયા પ્રોજેક્ટ સક્ષમ થઈ ગયું ?  આ કોન્ટ્રાક્ટ આપવા વાળા તમામને નોકરીમાંથી દૂર કરી દેવા જોઈએ. કોર્ટે નોંધ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીએ કોઈપણ જાતનું એપ્રૂવલ કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપવા સંદર્ભે આપ્યું નહોતું. પરંતુ VMCએ કોર્ટને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કર્યો છે. કોટિયા પ્રોજેક્ટને તે વખતના મ્યુનિસિપલ કમિશ્નરે જ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેથી કોર્ટે તે વખતના મ્યુનિસિપલ કમિશ્નર અને કોન્ટ્રાક્ટ આપવા સંદર્ભે સંકળાયેલા અધિકારીઓ સામે અર્બન વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર IAS અધિકારી હોવાથી તેની સામે સંલગ્ન નિયમો અનુસાર તપાસ હાથ ધરાશે.