Site icon Revoi.in

હોલ માર્કિંગ યુનિક આઈડી કાયદાના વિરોધમાં ગુજરાતના જ્વેલર્સની હડતાળ

Social Share

અમદાવાદઃ દેશ કેન્દ્ર સરકારે હોલમાર્ક અને HUID (હોલમાર્કિંગ યુનિક ID)નો કાયદો અમલમાં મુક્યો હતો, જેને લઇને જ્વેલર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા નિયમના અમલીકરણના વિરોધમાં દેશભરના જ્વેલર્સે એક દિવસની હડતાળની જાહેરાત કરી છે. આજે અમદાવાદના દસ હજાર જેટલા નાના મોટા જ્વેલર્સ સહિત સુરત, રાજકોટના જ્વેલર્સ પણ હડતાળમાં જોડાયા છે.

કેન્દ્ર સરકારે સોનાના દાગીના પર હોલમાર્કના બનાવેલા કાયદાનો જ્વેલર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્વેલર્સે સોનાના દાગીના પર હોલમાર્કિંગ યુનિક આઈડી એટલે કે HUIDનો વિરોધ કરી રહ્યાં છે. જ્વેલર્સનું કહેવું છે કે, HUID કાયદો યોગ્ય નથી. તેમનું કહેવું છે કે, આ કાયદામાં સોનાના દાગીના કાપવા, ઓગાળવા, બનાવવાના તમામ મુદ્દાઓને આવરી લેવાયા છે. જો ગ્રાહક સોનાના દાગીના જ્વેલર્સને રિપેરીંગ માટે આપે તો આ કાયદા મુજબ બે ગ્રામથી વધારેના દાગીનાને ફરીથી HUID કરાવવાની સ્થિતિ ઊભી થાય તેમ છે. તેમજ જ્વેલર્સ સામે ફોજદારી કાયદાની જોગવાઈ અને તેનું લાઇસન્સ તાકીદે રદ કરવાની જોગવાઈ છે.

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ (બીઆઇએસ) દ્વારા દેશમાં મનસ્વી રીતે અમલમાં મુકવામાં આવેલી ફરજિયાત હોલ માર્કિગની પ્રક્રિયાના વિરોધમાં ગુજરાત સહિતના દેશના જ્વેલર્સ આજે  પ્રતિક હડતાલ પર ઉતર્યા હતા. જ્વેલર્સ એસોસીએશન અમદાવાદના અગ્રણીએ જણાવ્યું હતું કે અમે સરકારની હોલ માર્કિગની પ્રક્રિયાને આવકારીએ છીએ, પરંતુ નવી હોલ માર્કિંગ પ્રક્રિયા (એચયુઆઇડી)નો વિરોધ કરીએ છીએ. એચયુઆઇડીએ વિનાશક પ્રક્રિયા છે. આ વર્તમાન ફરજિયાત હોલ માર્કિંગ પ્રક્રિયા જ્વેલરીની કોઇ સલામતી આપતી નથી. તેને નહી અનુસરનારનું રજિસ્ટ્રેશન રદ કરવું, દંડની જોગવાઇઓ, ઝડતી લેવા અને જપ્તી કરવાની રીતથી આખરે ઉદ્યોગમાં ઇન્સપેકટર રાજ લાવશે.
ગોલ્ડ ડીલર એસોસીએશન ગોંડલ દ્વારા હોલ માર્કમાં એચયુઆઇડીના કાયદાના વિરોધમાં આજે સોના-ચાંદીના તમામ વેપારીએ પોતાની દુકાનો આખો દિવસ સંપૂર્ણ બંધ રાખી કાયદાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત વેરાવળ ગોલ્ડ એન્ડ સિલ્વર એસો. પણ એક દિવસ બંધ પાળ્યો હતો. તેમજ કલેકટર તથા સાંસદ રાજેશ ચુડાસમા સહિતનાને આવેદન પત્ર આપ્યું હતું.