અમદાવાદઃ દેશમાં ઓમિક્રોનના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ કરવામાં આવે છે. દરમિયાન જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન પોઝિટિવ કેસ નોંધાયો હતો. હાલ આ દર્દીની સારવાર ચાલી રહી છે અને આરોગ્યમાં સુધારો થયો છે. બીજી તરફ હાઈરિસ્કવાળા દેશથી આવેલા વડદોરા અને સુરેન્દ્રનગરના ત્રણ પ્રવાસીઓના જરૂરી નમુના પુથ્થુકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. હાઈરિસ્કવાળા દેશમાંથી આવેલા 3 પ્રવાસીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ ત્રણેયના આરટીપીસીઆર ટેસ્ટ કરાયાં હતા. જેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર હાઈરિસ્ક દેશોમાંથી ગુજરાત આવેલા 3 પ્રવાસીઓના સેમ્પલ ઓમિક્રોન ટેસ્ટિંગ માટે પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તેમના ટેસ્ટ નેગેટિવ આવ્યાં હોવાનું જાણવા મળે છે. જામનગરમાં ઓમિક્રોન પોઝિટિવ દર્દીની સારવાર ચાલી રહી છે. તેમના સંપર્કમાં આવેલા પરિવારના બે સભ્યોના રિપોર્ટ પણ આવતીકાલે આવે તેવી શકયતા છે.
ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટએ પગપેસારો કર્યો છે. તેમજ ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 21 જેટલા કેસ નોંધાયાં છે. ગુજરાતમાં એક, રાજસ્થાનમાં 9, મહારાષ્ટ્રમાં 8 અને કર્ણાટકમાં બે અને દિલ્હીમાં એક કેસ સામે આવ્યો હતો. ગુજરાત સહિત દેશના તમામ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેકની છે કે, ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. રાજ્યમાં 3 દિવસમાં જ 180 કરતા વધારે કેસ સામે આવ્યાં છે. આમ કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ઉભી કરી છે.