Site icon Revoi.in

ગુજરાતઃ નડાબેટ સરહદ પાસેથી ઘુસણખોરીનો પ્રયાસ કરતો પાકિસ્તાની નાગરિક ઝડપાયો

Social Share

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને જળ સીમાથી જોડાયેલો છે. દરમિયાન બનાસકાંઠાના નડાબેટ નજીક આંતરરાષ્ટ્રીય સીમા ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની ઘુસણખોરને ભારતીય સુરક્ષા જવાનોએ ઝડપી લીધો હતો. પાકિસ્તાની નાગરિક તારની વાડ કુધીને ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બીએસએફના જવાનોએ એક પાકિસ્તાની નારગિકને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતી વખતે નડાબેટ નજીકથી ઝડપી લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર આઉટ પોસ્ટ નાડેશ્વરી પાસેના ગેટ પરથી આ શખ્સ નીચે ઉતર્યો હતો. ત્યારે જ પેટ્રોલીંગ કરતી બીએસએફની ટીમે તેને ઝડપી લીધો હતો. આ પાકિસ્તાની નાગરિકનું નામ દયા રામ હોવાનું જાણવા મળે છે. તેમજ પાકિસ્તાનના નગરપારકરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બીએસએફની ટીમે આ પાકિસ્તાની નાગરિકને ઝડપી લઈને તેની પૂછપરછ આરંભી છે. પાકિસ્તાની નાગરિક કેમ ભારતમાં આવી રહ્યો હતો તે અંગે પણ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

કચ્છના સરહદ નજીક અવાર-નવાર પાકિસ્તાની માછીમારી બોટ અને માછીમારોને ઝડપી લેવામાં આવે છે. ગુજરાત પાકિસ્તાન સાથે જળ અને જમીન સરહદથી જોડાયેલું છે. જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા સરહદ ઉપર સઘન પેટ્રોલિંગ કરે છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સની હેરાફેરી માટે ભારતીય જળસીમાનો ઉપયોગ કરતા હોવાનું પણ અગાઉ સામે આવ્યું છે.