Site icon Revoi.in

ગુજરાતઃ 10,879 ગ્રામ પંચાયતમાં 19 ડિસેમ્બરે મતદાન, 21મીએ પરિણામ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જો કે, તે પહેલા સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. દરમિયાન રાજય ચૂંટણીપંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આગામી 19મી ડિસેમ્બરના રોજ ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે. જ્યારે તા. 21મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

રાજ્ય ચૂંટણી પંચના જમાવ્યા અનુસાર 10879 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. આ ઉપરાંત 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે. ઉમેદવારો 7 ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે. જ્યારે 19 ડિસેમ્બરના રોજ મતદાન થશે. એટલું જ નહીં જરૂરી જણાશે તે મતદાન કેન્દ્રો ઉપર 20 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

તા. 19મી ડિસેમ્બરના રોજ 27085 મતદાન મથકો ઉપર 2.07 લાખ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMના બદલે બેલેટ પેપરથી યોજવામાં આવે તેવી શકયતા છે. કોરોના ગાઈડલાઈન અનુસાર સવારે 7થી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે. બીજી તરફ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.