Site icon Revoi.in

ભારતના 36 રાજ્યોમાં મહિલા વિરૂદ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાત 33માં સ્થાને છેઃ હર્ષ સંઘવી

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો દ્વારા વર્ષ-2022 માટે જાહેર કરાયેલા આંકડાને ટાંકીને કહ્યુ કે, 36 રાજ્યોમાંથી ગુજરાતનુ સ્થાન હિંસાત્મક ગુનામાં 31માં સ્થાને, મહિલાઓ સામેના ગુનાઓમાં 33માં ક્રમે ( ગુજરાતની પાછળ જે રાજ્યનો ક્રમ આવે છે તેની વસતિ રાજ્યના એક મહાનગર જેટલી છે ), બાળકો સામેના ગુનાઓમાં 27માં ક્રમે, શરીર સબંધિત ગુનામાં 30માં ક્રમે, મિલકત વિરુધ્ધના ગુનાઓમાં 28માં ક્રમે, આર્થિક ગુનાઓમાં 33માં ક્રમે ગુજરાત છે. એટલે કે ગુજરાતમાં ક્રાઇમ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછો છે.

મંત્રીએ વધુમાં કહ્યુ કે, મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન 33માં સ્થાને છે. મહિલા વિરૂધ્ધના ગુનાઓ નિયંત્રણમાં રહેવાના ચોક્કસ કારણોમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક ઇનિશિયેટીવ છે. જેમાં અલાયદો મોનીટરીંગ સેલ, ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનમાં વિશેષ જગ્યા, સ્પેશીયલ પી.પી., સ્પેશીયલ કોર્ટ/ફાસ્ટેક કોર્ટ, 24*7 ‘‘અભયમ’’ મહિલા હેલ્‍પ લાઇન ‘181’, SHE TEAM, Women Help Desk (WHD), ITTSO પોર્ટલ, સીનીયર સીટીજન સેલ તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન/બાળ કોર્નરનો સમાવેશ થાય છે.

મીસીંગ ચાઇલ્ડ કામગીરી અંગે મંત્રીએ કહ્યુ કે, સમગ્ર ભારતમાં બાળકો વિરૂધ્ધના ગુનામાં ગુજરાતનો ક્રમાંક 27મો છે. વર્ષ-2023માં કૂલ-751 બાળકો શોધવામાં આવ્યા છે. રાજ્યમાં વર્ષ-2007થી તા.31મી ડિસેમ્બર-2023 સુધીમાં 59.048 ગુમ/અપહરણ પૈકી કુલ 56,585  બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જેથી બાળકો શોધવાની ટકાવારી 95.83 ટકા છે.

મંત્રી  હર્ષ સંઘવીએ નાસતા ફરતા આરોપીઓ અંગે ગુજરાત પોલીસે કરેલી બેનમૂન કામગીરી અંગે કહ્યુ કે, વર્ષ-2023માં આશરે 2789  નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેમાંથી 20 વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા 78 આરોપીઓ, 15 વર્ષ કરતા કરતા વધુ સમયથી નાસતા ફરતા 87 આરોપીઓ, 10 વર્ષ કરતા કરતા વધુ સમયથી નાસતા ફરતા 159 આરોપીઓ અને પાંચ વર્ષ કરતા કરતા વધુ સમયથી નાસતા ફરતા 286 આરોપીઓનો સમાવેશ થાય છે.