Site icon Revoi.in

રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત 6.26 લાખથી વધુ ઓપરેશન સાથે દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને

Social Share

અમદાવાદઃ વિશ્વભરમાં અંધત્વ નિવારણ માટેની યોજનાઓ અને કાર્યક્રમો તેમજ ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે 10 જૂનને વિશ્વ નેત્રદાન દિવસ તરીકે ઊજવવામાં આવે છે.  ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ચક્ષુદાન અંગે અનેકવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે.

દેશમાં વાર્ષિક 2,00,000 જેટલા ચક્ષુઓની જરૂરિયાત સામે દેશમાં સરેરાશ 70,000 જેટલા ચક્ષુદાન પ્રાપ્ત થાય છે. જે પૈકી 35 થી 40 ટકા જેટલા ચક્ષુઓ જ  કીકી પ્રત્યારોપણ માટે ઉપયોગમાં આવી શકે છે. ગુજરાતમા ચક્ષુદાનનુ આ પ્રમાણ 50 થી 55 % જેટલું છે. આથી ગુજરાત અને સમગ્ર દેશમાં હજુ પણ ચક્ષુદાન ક્ષેત્રે જનજાગૃતિની આવશ્યકતા રહેલી છે.

રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ સંદર્ભે ગુજરાત રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ  કરેલ છે. રાજ્યમાં દૃષ્ટિ ખામી નિયંત્રણ અને અંધત્વ નિવારણના અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો થકી છેલ્લા દાયકામાં રાજ્યનો અંધત્વનો દર 0.9%થી ઘટીને 0.3% જેટલો થયો છે. વર્ષ 2025 સુધીમાં રાજ્યમાં અંધત્વ દર 0.25% સુધી લઇ જવાનો રાજ્યસરકાર અને આરોગ્ય વિભાગનો લક્ષ્યાંક છે.

વર્ષ 2022-23 દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન’ અંતર્ગત રાજ્યને ફાળવવામાં આવેલ 1,26,000 મોતિયાના ઓપરેશનની સામે રાજ્યમાં 6,26,638 ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા. જેમાં 504% સિદ્ધિ સાથે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ગુજરાતની આ સિદ્ધિની નોંધ  કેન્દ્ર સરકારના ‘રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન’માં પણ લેવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019 દરમ્યાન પ્રસિદ્ધ કરવામાં આવેલ અહેવાલ મુજબ કુલ અંધત્વના 7.4% કીકીના રોગોને કારણે જોવા મળે છે. કીકીના રોગોને કારણે થતા અંધત્વના મુખ્ય કારણોમાં ઇજા, ચેપ, કુપોષણ, વિટામીન એ ની ખામી તથા જન્મજાત ખોડ વગેરેનો સમાવેશ થાય છે. રોગગ્રસ્ત કીકીની પારદર્શકતા ઘટી જતા દર્દીની દૃષ્ટિ ઘટી જાય છે અને અંતમાં દર્દીને દેખાતું બંધ થઇ જાય છે. કીકીના રોગોને કારણે થતા અંધત્વના પ્રમાણમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે. દેશમાં કીકીના રોગોને કારણે હાલમાં 2,00,000 જેટલા વ્યક્તિઓ અંધ છે અને દર વર્ષે 20,000 જેટલા નવા કેસો સતત ઉમેરાતા રહે છે. ગુજરાત રાજય દ્વારા વર્ષ 2022-23માં 5441 ચક્ષુદાન મેળવવામાં સફળતા મળેલ છે.

રાજયમાં હાલ હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એકટ (હોટા) – 1994 અંતર્ગત 33 આઇ બેંક, 66 આઇ ડોનેશન સેન્ટર અને 06 કીકી પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત છે. રાજયમાં અંતરિયાળ વિસ્તારોમાં પણ ચક્ષુદાન સમયસર મેળવી શકાય તે હેતુસર સરકારી હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા 174 ઓપ્ટોમેટ્રીસ્ટને ચક્ષુદાન સ્વીકારવા માટેની ખાસ તાલીમ ગત ત્રણ વર્ષમાં આપવામાં આવી છે.

રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વધુને વધુ સંસ્થા ચક્ષુદાન પ્રવૃત્તિમાં ભાગીદાર થાય તે હેતુસર અનુદાનની જોગવાઇ કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને સરકારી ક્ષેત્રે નવી આઇ બેંક પ્રસ્થાપિત કરવા માટે ₹40 લાખની જોગવાઇ કરવામાં આવી છે. આઇ ડોનેશન સેન્ટરને પ્રસ્થાપિત કરવા ₹1 લાખની જોગવાઇ છે. તદ્ઉપરાંત પ્રતિ ચક્ષુદાન દીઠ આઇ બેંક અને આઇ ડોનેશન સેન્ટરને અનુક્રમે ₹2000/- અને ₹1000/- ફાળવવામાં આવે છે.

ચક્ષુદાનમાં મળેલ ચક્ષુઓની ગુણવત્તા જળવાઇ રહે અને દાનમાં મળેલ આ ચક્ષુઓ પૈકી મહત્તમ ચક્ષુઓનું કીકી પ્રત્યારોપણમાં ઉપયોગ થઇ શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દેશભરમાં પ્રથમ વખત નવતર ઉપક્રમ અંતર્ગત HMIS વેબ પોર્ટલ ઊભું કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્યના તમામ આઇ ડોનેશન સેન્ટર, આઇ બેંક અને કીકી પ્રત્યારોપણ કેન્દ્રોને આવરી લેવામાં આવશે તથા ચક્ષુદાતા પાસેથી ચક્ષુદાન પ્રાપ્ત થયાથી કીકી પ્રત્યારોપણ સુધીનું Real Time Tracking કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજી દ્વારા એક વ્યક્તિના ચક્ષુદાનથી 3 થી 4 વ્યક્તિઓને અલગ-અલગ પ્રકારની કીકી પ્રત્યારોપણની પદ્ધતિ દ્વારા દૃષ્ટિ આપી શકાય છે. ભારતમાં ચક્ષુદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમ્યાન ચક્ષુદાન પખવાડિયાની પણ ઉજવણી કરવામાં આવે છે.

(PHOTO-FILE)