Site icon Revoi.in

ગુજરાત કુપોષણમાં દેશમાં બીજા ક્રમે, 5 વર્ષથી ઓછી વયનાં 39.7% બાળકો કુપોષિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં પણ દેશમાં કૂપોષણમાં ગુજરાત બીજા સ્થાને છે. દેશમાં ગુજરાત સૌથી સમૃદ્ધ રાજ્ય છે. છતાં ગુજરાતમાં 39.7 ટકા બાળકો ઓછા વજનવાળા કૂપોષિત છે. રાજ્ય સરકારે ગર્ભવતી મહિલાઓને પોષણક્ષણ આહાર આપવાની યોજના પણ બનાવી છે. પરંતુ સરકારની કૂપોષણ નાબુદ કરવાની તમામ યોજનાનો પુરતો લાભ છેવાડાના અને ગરીબ પરિવારોને મળે છે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત 5 વર્ષથી નીચેના બાળકો અન્ડરવેટ હોવાના દરમાં દેશમાં બીજા નંબરે પહોંચી ગયું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (2019-21) મુજબ રાજ્યમાં 39.7 ટકા બાળકો અન્ડરવેટ છે. જે NFHS (2015-16) 39.3 ટકા હતા. આમ, અન્ડરવેટ બાળકોના મામલે રાજ્યમાં સ્થિતિ કથળી છે જ્યાં રાજ્ય અગાઉના સર્વેમાં પાંચમાં નંબરે હતું. જ્યારે બાળકોને પોષણક્ષમ બનાવવા સરકારના લાખ પ્રયાસો છતા ગુજરાતમાં કૂપોષણ બાળકોની સંખ્યામાં વધારો થતો જાય છે, તે એક ચિંતાનો વિષય છે.

લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ માહિતી રજૂ કરી હતી. ટૉપ-5માં આવેલા રાજ્યોમાં બિહાર, ઝારખંડ અને મધ્ય પ્રદેશ એવા રાજ્યો છે જ્યાં અન્ડરવેટ બાળકોની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે હેલ્થ સર્વેમાં દેશમાં સરેરાશ અન્ડરવેટની ટકાવારી ક્રમશ: 35.8 અને 32.1 નોંધાઈ છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારો અને પછાત ગણાતા જિલ્લાઓમાં કૂપોષિત બાળકોનું પ્રમાણ વધારે છે.

કેન્દ્ર સરકારે આપેલી આંકડા મુજબ દેશમાં કૂપોષિત બાળકો ( અન્ડરવેટ)માં પ્રથમ નંબરે 41 ટકા સાથે બિહાર પ્રથમ નંબરે છે. જ્યારે ગુજરાત 39.7 ટકા સાથે ગુજરાત બીજા સ્થાને છે. ત્રીજા નંબરે ઝારખંડમાં કૂપોષિત બાળકો 39.4 ટકા છે. જ્યારે મહારાષ્ટ્ર 36.1 ટકા સાથે ચોથા સ્થાને છે. દેશમાં પછાત ગણાતા રાજ્યો પણ પોષણક્ષણ બાળકોમાં ગુજરાત કરતા આગળ છે. (file photo)