Site icon Revoi.in

ગુજરાતમાં સીઝનનો સરેરાશ 54 ટકા વરસાદ પડ્યો, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી 8નાં મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે બપોર સુધીમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં તાપી, ડાંગ, મહિસાગર, નર્મદા સહિત જિલ્લાઓમાં સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતા 54 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જોકે રાજ્યના 8 તાલુકામાં સીઝનનો બેથી 5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 82 તાલુકામાં 5થી 10 ઈંચ જેયલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જો કે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની ઘટ છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદને લીધે 8 લોકોના મોત નિપજ્યાં છે. હવામાન વિભાગે સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઑરેન્જ એલર્ટ જારી કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં જુનના અંતથી મેઘરાજાની વાજતે ગાજતે પધરામણી થઈ હતી. અને જુલાઈના 26 દિવસમાં 251 તાલુકામાં બે ઈંચથી લઈને 30થી 35 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 34 તાલુકામાં સૌથી વધુ 35થી 40 ઈંચ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લીધે જળાશયોમાં પાણીની આવક વધી છે. તાપી, સુરત, નવસારી, ડાંગ જેવા જિલ્લામા આભ ફાટવા જેવી સ્થિતિ છે. જોકે, આ સ્થિતિ હજુ બદતર બનવાની છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 46 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,80,589  એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55 ટકા જળસંગ્રહ ટકા નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,40,661  એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 43 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.  રાજ્યમાં ભારે વરસાદના પરિણામે દમણગંગામાં 51,708 ૮ ક્યુસેક, ઉકાઈમાં 33,168  ક્યુસેક અને હિરણ-2માં 15,789  ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત રાણા ખીરસરામાં 13,530  ક્યુસેક, ભાદર-2માં 13,172 ક્યુસેક, વેણુ-2માં 12,943  ક્યુસેક અને સરદાર સરોવરમાં 11,144  ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 26 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 26 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.