Site icon Revoi.in

માર્ગ સલામતી જાગૃતિ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાને ‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ અપાયા

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રી અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટીના અધ્યક્ષ પૂર્ણેશ મોદીના હસ્તે ગાંધીનગર ખાતે વિવિધ ત્રણ કેટેગરીમાં ‘‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-2022’ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે સ્વૈચ્છિક વ્યક્તિ, સ્વૈચ્છિક, શૈક્ષણિક, ઔદ્યોગિક સંસ્થાઓ અને સિટી-ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટી એમ વિવિધ ત્રણ કેટેગરી માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને એવોર્ડ માટે પસંદગી પામનારને અનુક્રમે રૂ. 1.25  લાખ, રૂ.1 લાખ અને રૂ. 75,000ની રકમ અને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વાહન વ્યવહાર મંત્રી દ્વારા ‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૨’માં સ્વૈચ્છિક વ્યક્તિ કેટેગરીમાં  અમિત કિરીટકુમાર ખત્રી,  અજયસિહ બી. જાડેજા અને  વિષ્ણુભાઈ બનુભાઈ ઠાકોરને, સ્વૈચ્છિક સંસ્થામાં સરકારી પોલીટેકનીક, વલસાડ, વેસ્ટર્ન ઇન્ડિયા ઓટોમોબાઈલ એસોસિએશન (WIAA) તેમજ L&T અમદાવાદ-માળિયા ટોલ વે લિમિટેડ જયારે સીટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીમાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી, અમદાવાદ, ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી સુરત અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી દેવભૂમિ દ્વારકાને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે એવોર્ડ એનાયત કરાયા હતા. આ પ્રસંગે વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાત રોડ સેફટી કમિશનર લલિત પાડલિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં જીવલેણ માર્ગ અકસ્માતો ઘટાડી શકાય તે માટે માર્ગ સલામતી ક્ષેત્રે વધુમાં વધુ વ્યક્તિઓ, સ્વૈછિક, શૈક્ષણિક, ઔધોગિક સંસ્થાઓ કામગીરી કરવા પ્રેરિત થાય તથા શહેર-જિલ્લા કક્ષાએ માર્ગ સલામતી માટે કાર્યરત સિટી અને ડિસ્ટ્રીકટ રીડ સેફટી કમિટીની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુસર રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ એનાયત કરવામાં આવે છે જેના ભાગરૂપે  આ એવોર્ડ વિતરણ કરાયા હતા.