Site icon Revoi.in

ગુજરાતઃ ડીજીટલ વ્યવહાર વધવાની સાથે સાઈબર છેતરપીંડીના ગુનામાં વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજીનો વપરાશ વધ્યો છે. એટલું જ નહીં ઓનલાઈન બેંકીગ અને પેમેન્ટનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ ટેકનોલોજીનો ગેરફાયદો ઉઠાવીને છેતરપીંડીના ગુના આચરનારી સાયબર ગેંગ સક્રિય બની છે. દરમિયાન રાજ્યમાં 2020-21ના વર્ષમાં સાયબર છેતરપીંડીનાં કેસોમાં 67 ટકાનો ધરખમ વધારો થયો હોવાનો રીપોર્ટ જાહેર થયો છે. ગુજરાતની બેંકોમાં ગત નાણાવર્ષમાં સાયબર ફ્રોડના 4671 કેસ નોંધાયા હતા, તે અગાઉના વર્ષે 2803 હતા. આમ સાયબર છેતરપીંડના બનાવોમાં વધારો થયો છે. ભારતમાં સૌથી વધુ સાયબર ફ્રોડમાં ગુજરાતનો ટોપ-ફાઈવ રાજયોમાં સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં સાયબર છેતરપીંડીના 4671 કેસોમાં લોકોએ 13.36 કરોડ ગુમાવ્યા હતા. અગાઉના વર્ષે 2803 કેસોમાં લોકોએ 6.69 કરોડની રકમ ગુમાવી હતી. બેંકીંગ ક્ષેત્રમાં સાયબર છેતરપીંડી મુખ્યત્વે એટીએમમાં અથવા ડેબીટ-ક્રેડીટ કાર્ડ અથવા ઈન્ટરનેટ બેંકીંગ મારફત થાય છે. બેંકો દ્વારા કાર્ડ શ્રેણીમાં આ છેતરપીંડીની નોંધ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 26522 કેસ નોંધાયા હતા અને લોકોએ 67 કરોડ ગુમાવ્યા હતા. દિલ્હીમાં 7774 કેસ, તામિલનાડુમાં 5659 કેસ, હરિયાણામાં 5605 કેસ નોંધાયા હતા. રસપ્રદ બાબત એ છે કે સૌથી વધુ સાયબર ફ્રોડ ધરાવતા ટોપ-ફાઈવ રાજયોમાં એકમાત્ર ગુજરાતમાં સાયબર છેતરપીંડીના કેસો વધ્યા છે જયારે અન્ય ચારમાં કેસો ઓછા થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ દ્વારા સાયબર ગુનાઓને અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ સાયબર ઠગાઈ આચરતી ટોળકીને ઝડપી લેવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

(PHOTO-FILE)