અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો તા.11મી માર્ચને સોમવારથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ધોરણ 10માં સોમવારે ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાની પરીક્ષા હતી પરીક્ષાનો પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને પ્રથમ દિવસે પ્રશ્નપત્ર ખૂબ જ સરળ અને વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી લાવનાર હતું. વિદ્યાર્થીઓ આમ તો થોડી ચિંતા સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પરંતુ પહેલું પેપર ખૂબ જ સરળ હોવાથી વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી.
ધોરણ 10ની પરીક્ષાનું પ્રથમ પેપર ગુજરાતી પ્રથમ ભાષા સરળ લાગતા પરીક્ષાર્થીઓના ચહેરા પર ખૂશી જોવા મળી હતી. પરીક્ષા કેન્દ્ર પરથી બહાર નિકળતા કેટલાક વિદ્યાર્થીઓ પોતાના સહાધ્યાયી તેમજ વાલીઓ સાથે પ્રશ્નપત્ર સોલ્વ કરતા જોવા મળ્યા હતા. પ્રશ્ન પત્રમાં વિભાગ A અને Bમાં સ્વાધ્યાયના પ્રશ્નો હોવાથી વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ લાગ્યા હતા. અને સારી રીતે લખી શક્યા હોવાનું પરીક્ષાર્થીઓ કહી રહ્યા હતા. ગુજરાતીના પ્રશ્નપત્રમાં વિભાગ A અને Bમાં જોડકા જોડો અને ખાલી જગ્યા હતી. જે બાળકોએ પાઠ્યપુસ્તકનો અભ્યાસ સારી રીતે કર્યો હતો તેના માટે આ ખૂબ જ સરળ હતું. વિભાગ Cએ વ્યાકરણ વિભાગ હતું. જેમાં માત્રને માત્ર પાઠ્યપુસ્તકને જ અગ્રિમતા આપવામાં આવી હતી.
અમદાવાદની એલિસબ્રિજ વિસ્તારના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપીને બહાર નિકળતા ધોરણ 10ના પરીક્ષાર્થીઓને પ્રશ્નપત્ર કેવું લાગ્યું તેમ પૂછતા એકંદરે પ્રશ્નપત્ર સરળ હોવાનું જણાવ્યું હતું, કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, પ્રશ્નપત્રમાં વિભાગ Bમાં વિચાર વિસ્તાર પૂછાયો હતો. કાવ્ય પંક્તિઓમાંથી પૂછાયું હતું. જેમાં થોડો વિચાર કરરીને લખવું પડે તેવું હતું. અહેવાલ લેખન અત્યારના વિષય મુજબ પૂછવામાં આવ્યો હતો. જ્યારે સંક્ષિપ્ત લેખનમાં વિચાર કરવો પડે તેમ હતું.