અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુટેડી ગામના લોકોએ છેલ્લા ઘણા વર્ષોથી સંસ્કૃત ભાષાને જીવંત રાખવા માટે સવિસેષ યોગદાન આપ્યું છે. ત્યારે આગામી. તા. 23મી એપ્રિલને રવિવારે અખાત્રિજના શુભદિને સંસ્કૃત પાઠશાળાના સ્થાપક અને વેદ તત્વ ચિંતક સ્વ. અનંતદેવ શુકલની યાદમાં વેદ સંસ્કૃત જ્ઞાન ગૈરવ સમારંભ તથા સંસ્કૃત મહાવિદ્યાલય મહોત્સવ યોજાશે. આ પ્રસંગે આરએસએસના સર સંઘ ચાલક મોહન ભાગવતજી મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથી વિશેષપદે આરએસએસના પ્રાંત સંચાલક ડો, ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
મુટેડી ખાતે આવેલા સંસ્કૃત મહા વિદ્યાલય દ્વારા અનેક યુવાનોને સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરાવીને તૈયાર કરાયા બાદ આ વિદ્યાર્થીઓ જ્યાં છે, ત્યાં સંસ્કૃત ભાષાને ઉજાગર કરી રહ્યા છે. અને તેનો પ્રચાર પણ કરીને સંસ્કૃત ભાષાને જીવેત રાખી રહ્યા છે. ત્યારે આગામી તા. 23 એપ્રિલને અખાત્રિજને દિવસે મુટેડી સંસ્કૃત પાઠશાળામાં મહા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ ઊજવાશે. આ પ્રસંગે મોહન ભાગવતજી ઉપસ્થિત રહીને મનનીય પ્રવચન આપશે. તથા ભારતીય ઈતિહાસ સંકલન યોજનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ગિરીશભાઈ ઠાકર, બિલેશ્વર ધામવડિયાવીરના શાંતિગીરીજી મહારાજ, વસાઈ ભોલેશ્વર આશ્રમના મહંત શ્યામ સુંદરદાસ સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં જ્ઞાન ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. મુટેડીની પાઠશાળામાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સંસ્કૃત વિષયમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનારા છાત્રોનું સન્માન કરવામાં આવશે.

