Site icon Revoi.in

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ રાઇની ધૂમ આવક, સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ

Social Share

જામનગરઃ જિલ્લામાં રાઈનો પાક સારોએવો થતા હાપાનું માર્કેટિંગ યાર્ડ રાઇની પુષ્કળ આવકથી  ઊભરાવા લાગ્યુ છે. છેલ્લા એક અઠવાડિયાથી હાપા માર્કેટિંગ યાર્ડમાં રાઇનો પાક લઇને મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી રહ્યા છે. ખેડૂતોને રાઇના સારા એવા ભાવ મળી રહ્યા છે. જેના કારણે અન્ય જિલ્લામાંથી પણ હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો ધસારો વધી રહ્યો છે. આગામી મહિનામાં રાઇની હજુ વધુ સારી આવક થવાની સંભાવના છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અન્ય જણસીની જેમ રાઇ-રાયડાની મબલખ આવક થઈ રહી છે. દૈનિક 5 હજારથી વધુ ગુણીની આવક થતાં માર્કેટિંગ યાર્ડ રાઇ-રાયડાથી ઉભરાયું છે. અન્ય જિલ્લામાંથી રાઇ લઈને હાપા યાર્ડમાં ખેડુતો  આવી રહ્યા છે. છેલ્લા ત્રણ સપ્તાહથી રાઇ અને રાયડાની આવક શરૂ થઈ છે. જેમાં છેલ્લા સપ્તાહથી આવકમાં વધારો થયો છે. જેમાં દૈનિક 5 થી 6 હજાર ગુણીની રાયની આવક થઈ રહી છે. જેના ખુલ્લા બજારમાં એક મણના ભાવ 1000થી 1250 રુપિયા સુધી નોંધાયા છે. હજુ પણ એક માસ સુધી રાયની આવક માર્કેટીંગ યાર્ડમાં રહેશે તેવી ધારણા છે. ખેડૂતોને આ વર્ષે રાઇના પાકના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે. જેના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આગામી સમયમાં પણ ખેડૂતોને રાઇના યોગ્ય ભાવ મળી રહેશે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

જામનગર પંથકમાં રાઈ ઉપરાંત ઘઉં, અને જીરાનું પણ સારૂએવું ઉત્પાદન થયું છે. ગત ચોમાસામાં સારા વરસાદને કારણે સિંચાઈની પુરતી સુવિધા ઉપલબ્ધ થતાં રવિ પાકનું સારૂએવું ઉત્પાદ થયું છે. હાલ રાઈ-રાયડાંની પુરતી આવકથી યાર્ડ ઉભરાઈ રહી છે.