Site icon Revoi.in

મહુવામાં રખડતા ઢોરનો ત્રાસ, રોડ પર અડ્ડો જમાવીને બેસતા પશુઓને કારણે વાહનચાલકોને મુશ્કેલી

Social Share

ભાવનગરઃ જિલ્લાના મહુવા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસથી રહિશો ત્રાહીમામ પોકારી ગયા છે. ચોમાસાની સીઝનમાં તો રોડ-રસ્તાઓ પર રખડતા પશુઓ અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે. તેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રખડતા ઢોર ખાસ કરીને ખુંટીયાને પકડી ડબ્બે પુરવાની જવાબદારી સ્થાનિક સતાવાળાની હોય છે પરંતુ રખડતા ઢોરને ઝબ્બે કરવા કાયમી તંત્ર કે વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ઊભી કરવામાં આવતી નથી. ગુજરાત ભરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ મહુવા નગરપાલિકા દ્વારા આવી કોઇ કામગીરી કરવામાં આવતી નથી.

મહુવામાં આમ તો અનેક સમસ્યાઓ છે. જેમાં મુખ્ય સમસ્યા રખડતા ઢોરની છે. શહેરનો એક પણ રસ્તો રખડતા ઢોર વગરનો નથી. રસ્તા ઉપરના રખડતા આખલા માતેલા સાંઢ માફક વારંવાર ભયનો માહોલ ઉભો કરતા હોય છે તેમજ ગાય અને ગૌવંશના રખડતા ઢોર નધણિયાતા નથી, માલિકીના છે છતા રખડતા ઢોર પકડી દંડનીય કાર્યવાહી કરાતી નથી અને આખલાંના ત્રાસથી તો લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રોડ ઉપર ચાલતા આગળ પાછળના વાહનોનુ ધ્યાન રાખવુ અને બીજી બાજુ આખલાનું ધ્યાન રાખવુ. વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. મહુવા શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા નગરપાલિકાનુ તંત્ર નિષ્ફળ ગયુ છે.

મહુવા શહેરના હાઇવે ઉપર એક ખુંટીયાએ બાઇક સવારને ભોગ લીધાની શાહી હજી સુકાઇ નથી. તેમ છતા રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા નગરપાલિકા દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી. મહુવા શહેરમાં રખડતા ઢોર જનતાને અડફેટમાં લઇ નાની મોટી ઇજા પહોચાડી રહ્યા છે. મહુવામાં દરરોજ રખડતા ખુંટીયાના ત્રાસથી પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. મહુવા નગરપાલિકા દ્વારા મહુવા શહેરને ઢોર મુક્ત કયારે કરશે ? તેવો પ્રશ્ન નાગરિકો ઉઠાવી રહ્યા છે.