Site icon Revoi.in

ખોડલધામના અગ્રણી નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાનું હાર્દિકે પટેલે આપ્યું આંમત્રણ,

Social Share

અમદાવાદ:  રાજ્યમાં લેઉવા પાટિદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા કાગવડમાં આવેલા ખોડલધામના અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઘણા સમયથી પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને એક સમયના પાટિદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે નરેશ પટેલને પત્ર લખીને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ આપતા રાજકિય માહોલ ગરમાયો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પાટિદાર આગેવાન નરેશ પટેલને રાજકારણમાં આવવા આમંત્રણ આપતા રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. હાર્દિક પટેલે નરેશ પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીનું શાસન છે અને આવા સંજોગોમાં જો નરેશભાઈ કોંગ્રેસમાં જોડાય અને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવે તો સ્વાભાવિક રીતે ગુજરાતની જનતાને ફાયદો થઈ શકે છે.  બીજી તરફ નરેશ પટેલે જણાવ્યું છે કે, મને હજી સુધી લેટર મળ્યો નથી. આવા આમંત્રણ મને દરેક પક્ષમાંથી આવે છે જેથી યોગ્ય સમયે હું નિર્ણય લઈશ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ કાગવડ ખાતે ખોડલધામ મંદિરના પંચવર્ષીય પાટોત્સવ દરમિયાન સમાજને સંબોધન કરતા  નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે મીડિયા સમક્ષ પણ જણાવ્યું હતું કે, રાજકારણમાં આવવું તે મારા માટે સમયનો પ્રશ્ન છે. અહી બેસેલા સમાજના આગેવાનો અને નેતાઓ કહેશે તો રાજકારણમાં ચોક્ક્સથી જોડાઈશ. સમાજના આગેવાનો અમારા મહારથીઓ છે. જ્યારે પણ રાજકારણમાં આવવાનું થશે ત્યારે ખોડલધામના મંચ પરથી નહીં પરંતુ પર્સનલી જાહેરાત કરીશ.

આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે  જણાવ્યું કે, નરેશ પટેલ સામાજિક રીતે સક્રિય જ છે. પરંતુ સવાલ એટલો છે કે, છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી છે કે તેઓ રાજકારણમાં આવશે. મે એમને બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીનું શાસન છે. પૈસા અને સત્તાના જોરે લોકોને હેરાન અને પરેશાન કરવાનું કામ સરકાર કરી રહી છે. આવા સંજોગોમાં નરેશભાઈ જેવા લોકો સમાજ અને રાજ્યના હિત માટે સક્રિય ભૂમિકા ભજવે તો સ્વાભાવિક રીતે લોકોને ફાયદો થઈ શકે છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના બજેટમાં યુવાનોને  રોજગાર આપવા અંગે કોઈ વાત થઈ નથી.અને સરકાર લોકોને માત્રને માત્ર ગુમરાહ કરવાનું કામ કરે છે. આવા સંજોગોમાં જો નરેશભાઈ જેવા લોકો મેદાનમાં આવે તો લોકોને ભરોસો તેમજ આશાનં મોજું ફરી વળે તો ગરવી ગુજરાતની અસ્મિતાને બચાવવાના પ્રયાસો થઈ શકે છે અને એટલા માટે મે નરેશભાઈને પત્ર લખ્યો છે અને સ્પષ્ટ રીતે કહ્યું છે કે, કોઈ પાટિદાર સમાજના યુવાન તરીકે નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર તરીકે કહું છું કે જો તમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશો તો કોંગ્રેસ પાર્ટી તમને આગળ કરશે અને હું તમારું નેતૃત્વ સ્વીકારવા માટે તૈયાર છું.

 

Exit mobile version