Site icon Revoi.in

હરિયાણાઃ રાજસ્થાનમાંથી અપહરણ કરાયેલા બે યુવાનોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

Social Share

નવી દિલ્હીઃ હરિયાણાના ભિવાની જિલ્લાના લોહારુમાં જીપકારમાં બે માનવ હાડપિંજર મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસને આશંકા હતી કે, જીપકારમાં આગ લાગવાથી બંને વ્યક્તિઓના મોત થયા છે, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ પોલીસના હોશ ઉડી ગયા છે. મૃતકના સંબંધીઓએ ગંભીર આક્ષેપ કર્યાં હતા. બંને મૃતક યુવાન રાજસ્થાનના હોવાનું જાણવા મળે છે. તેમજ હિન્દુ સંગઠનના કાર્યકરોએ તેમનું અપહરણ કરીને જીવતા સળગાવ્યાં હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

ભિવાની જિલ્લાના લોહારુના જંગલમાંથી બે વ્યક્તિના મૃતદેહ મળ્યા બાદ પોલીસે વાહનના નંબરના આધારે નુહ પોલીસનો સંપર્ક કર્યો હતો. નૂહ પોલીસે તપાસ કરતાં જણાવ્યું કે, જીપકાર ફિરોઝપુર ઝિરકાના મહુ ગામના હસીનના નામે નોંધાયેલી છે. જીપકારમાં જે બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમાંથી નાસીર નામના વ્યક્તિએ હસીન પાસેથી જીપકાર મંગાવી હતી. મૃતક જુનૈદ અને નાસીર રાજસ્થાનના ભરતપુર જિલ્લાના પોલીસ સ્ટેશન ગોપાલગંજ હેઠળના ગામ ઘાટમીકાના રહેવાસી છે. આ મામલાની માહિતી મળતાં જ મૃતકના પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે જુનૈદ અને નાસિરને બજરંગ દળ અને ગૌરક્ષક દળ દ્વારા અપહરણ કરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

મૃતક જુનેદના ભાઈ જાફરે પોલીસને તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો ભાઈ જુનૈદ ગામના રહેવાસી નાસીર સાથે જીપકાર મારફતે ભરતપુર ગામમાં પીરુકા જોથરી ગયો હતો. જ્યાં રસ્તામાં બજરંગ દળ અને ગોરક્ષક દળ તેનું અપહરણ કરી પીરુકા ગામના જંગલમાં લઈ ગયા હતા. જ્યાં બંનેને ખૂબ માર મારવામાં આવ્યો, ત્યારબાદ તેઓ બંનેને બેભાન અવસ્થામાં હરિયાણાના લોહારુ લઈ ગયા અને વાહનની અંદર જીવતા સળગાવી દીધા હતા. મૃતક જુનૈદના ભાઈ જાફરે આ ઘટના માટે બજરંગ દળના ગૌરક્ષા વિભાગના રાજ્ય સંયોજક મોનુ નુહ અને શ્રીકાંત અને લોકેશ સિંગલા સહિત આઠથી દસ લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.