Site icon Revoi.in

ગુજરાતમાં 18મી જુલાઈથી ભારે વરસાદની આગાહી, ત્રણ દિવસ વરસાદના સામાન્ય ઝાપટાં પડશે

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં તા.17મી સુધી સામાન્ય વરસાદના ઝાપટાં પડશે ત્યારબાદ તા. 18મીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 18થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વધુ મજબુત બનતા તા. 18મીથી એક સપ્તાહ સુધી રાજ્યભરમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 18 જૂલાઈ બાદ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે છુટોછવાયો વરસાદ રહી શકે છે. રાજ્યમાં સિઝનનો 60 ટકાથી વધુ વરસાદ પડી ચુક્યો છે. હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેર યથાવત છે. ભાવનગરના મહુવા પંથકના કુંભણ, રાજાવદર, બોરડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે મહુવાના કોજળી ગામે રૂપાવો નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી હતી. સરકારી પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ ઉપરાંત જુનાગઢના કેશોદમાં 6 કલાકમાં 5.5 ઈંચ વરસાદ ખાબકી જતા બજારો પાણી પાણી થઈ ગઈ હતી. દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો. જુનાગઢના માંગરોળમાં એક ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. રાજકોટના ધોરાજીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા અનેક માર્ગો પર પાણી ભરાયા હતા.

વલસાડ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડના વાપીમાં ત્રણ ઈંચ, વલસાડ તાલુકામાં સવા ઈંચ, ધરમપુરમાં અડધો ઈંચ, પારડીમાં બે, કપરાડામાં અઢી વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વાપી તાલુકામાં 78 mm વરસાદ પડતા વાપી રેલવે અંડર પાસ અને જે ટાઈપ રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 15 જુલાઈ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા રહેશે, ત્યાર બાદ 15થી 20 જુલાઈમાં મધ્ય ગુજરાત ઉતર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થશે. 18થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વધુ મજબુત બની દેશાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. (File photo)