Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે ટ્રેન વ્યવહાર બન્યો પ્રભાવિત

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ-જામનગરમાં પડેલા ભારે વરસાદને કારણે રાજકોટ ડિવિઝનના અલિયાવાડા-જામવંથલી સેક્શનમાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનોનું સંચાલન ખોરવાતાં કેટલીક ટ્રેનોના સમય બદલી રિશિડ્યુલ કરાઇ છે, જ્યારે કેટલીક ટ્રેનો આંશિક રદ કરાઇ છે. જ્યારે કેટલીક ટ્રેનોને રાજકોટ અને જામવંથલી સ્ટેશને અટકાવી દેવાતા પેસેન્જરોને હાલાકી પડી હતી. જોકે રેલવેએ પેસેન્જરોને પાણીની બોટલ અને ફૂડ પેકેટ આપ્યા હતા.

સૌરાષ્ટ્રમાં જામનગર અને જુનાગઢ તેમજ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને લીધે ટ્રેક પર પાણી ભરાય જતાં ટ્રેન વ્યવહાર પ્રભાવિત બન્યો હતો. જેમાં ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેલ ઓખાથી સવારે 11.05 વાગ્યાને બદલે 4.55 કલાક મોડી સાંજે 16.00 કલાકે ઉપડી હતી. તેમજ 11મીએ ઉપડેલી હાવડા-પોરબંદર સ્પેશિયલ વાયા ભક્તિનગર-જેતલસર-વાંસજાળિયા-પોરબંદરના રૂટ પર દોડાવાશે. 12 સપ્ટે. ઉપડેલી મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેલ રાજકોટથી વાયા ભક્તિનગર-જેતલસર-વાંસજાળિયા-પોરબંદરના ડાયવર્ટ રૂટ પર દોડાવાશે. 10 સપ્ટે ઉપડેલી રામેશ્વરમ-ઓખા સ્પેશિયલ વાયા ભક્તિનગર-જેતલસર-વાંસજાળિયા-કાનાલૂસ-ઓખા રૂટ પર દોડાવાશે. 13 સપ્ટે.ઉપડેલી ઓખા-એર્નાકુલમને વાયા કાનાલૂસ-વાંસજાળિયા-જેતલસર-ભક્તિનગર-રાજકોટના ડાયવર્ટ રૂટ પર દોડાવાશે. આ ઉપરાંત દેહરાદૂન-ઓખાને રાજકોટમાં શોર્ટ ટર્મિનેટ કરાઈ. તેમજ 13 સપ્ટે. ઓખાથી ‌ઉપડેલી ઓખા-ભાવનગર, રાજકોટ-ભાવનગર વચ્ચે દોડશે.

ઓખા – મુંબઈ સૌરાષ્ટ્ર મેલ રિશિડ્યુલ કરાતા આ ટ્રેન ઓખાથી તેના નિયત સમય કરતાં 5 કલાક મોડી ઉપડી હતી. આ ઉપરાંત જામનગરથી રાજકોટ વચ્ચે આ ટ્રેન ડાયવર્ટ રૂટ પર દોડાવાતા ટ્રેન અમદાવાદ 8.15 વાગ્યાના બદલે મોડી રાતે 2 વાગ્યા બાદ પહોંચશે. આ પરિસ્થિતિમાં ટ્રેન પકડવા આવેલા પેસેન્જરોને અમદાવાદ સ્ટેશને 6 કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી હતી.