Site icon Revoi.in

ગુજરાતમાં 15મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, 13 જળાશયો હાઈએલર્ટ પર

Social Share

અમદાવાઃ રાજ્યમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી તા. 15મી જુલાઈ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાજ્યનાં 13 જળાશયોને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

ગુજરાતના મેગા સિટી ગણાતા અમદાવાદમાં રવિવારે સાંજના પડેલા ભારે વરસાદે મ્યુનિ,કોર્પોરેશનના પ્રિ-મોન્સુન પ્લાનના ધજીયા ઉડાવી દીધા હતા. અને શહેરીજનોને ભારે હાડમારી વેઠવી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જે ભારે વરસાદ વરસ્યો છે એની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. વડાપ્રધાને આ વરસાદી સ્થિતિને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 218 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં બોડેલી, ક્વાંટ, જાંબુઘોડા, જેતપુરપાવી, છેટાઉદેપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ તમામ વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જ્યારે સાગબારા, સંખેડા, દેડિયાપાડા, ઘોઘંબા, ડોલવણ, વાંસદા, નડિયાદ, ગોધરા, સોજિત્રામાં પણ 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં સીઝનનો સરેરાશ કુલ 12 ઈંચ વરસાદ થયો છે. કચ્છમાં અત્યારસુધીમાં 11.75 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 5.78, દક્ષિણ ગુજરાતમાં 24.28 ઈંચ, મધ્ય ગુજરાતમાં 9.53 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 11.12 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 36 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની 207 જેટલી યોજનાઓમાં 40.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમાં 1,51, 586 એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રશક્તિના 45.37 ટકા છે. પાણીપુરવઠા વિભાગના ફ્લડ સેલના જણાવ્યા મુજબ, 11 જળાશય 100 ટકા કે તેથી વધુ, 18 જળાશય 70થી 100 ટકા, 25 જળાશય 50 ટકાથી 70 ટકા, 101 જળાશયમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. 100 ટકાના જળસંગ્રહ ધરાવતાં બે જળાશય મળી કુલ 13 જળાશય હાઈ એલર્ટ પર, 80થી 90 ટકા જળસંગ્રહ સાથે 8 જળાશય એલર્ટ પર તથા 70થી 80 ટકા ભરાયેલાં 7 જળાશય માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.