Site icon Revoi.in

કોડીનારના મિતિયાજ ગામે હેવી વોલ્ટેજ વીજ વાયર તૂટી પડતા શેરડીનો ઊભો પાક બળી ગયો

Social Share

જુનાગઢઃ કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે સાત વિઘા શેરડીના ઊભા પાકમાં પીજીવીસીએલના ઇલેવન કે.વી.નો જીવતો વાયર પડતા આગ લાગતા શેરડીનો તમામ પાક બળી જતાં ચારથી પાંચ લાખનું નુકસાન થયાનો અંદાજ  છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના ખેડૂત પરમેશભાઇ પરબતભાઇ ચંડેરાની વાડીમાં સાત વિઘા શેરડીનો વાઢ ઉભો હતો. બાર મહિનાની મહેનત પછી ઉભેલો શેરડીનો વાઢ ગોળના રાબડામાં જાય તે પહેલા ખેતર ઉપરથી પસાર થતાં પીજીવીસીએલના ઇલેવન કે.વી.ના જર્જરીત વાયર તૂટી જતાં ઉભા શેરડીના વાઢમાં આગ લાગતા જોત જોતામાં તમામ પાક સળગીને ખાક થઇ જતાં ખેડૂતના મો એ આવેલો કોળીયો છીનવાઇ ગયો હતો. પીજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે ખેડૂતને નુકસાન થયું હોય કિશાન એકતા સમિતિના સુરપાલ બારડે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પરમેશભાઇ ચંડેરાને થયેલ નુકસાન વળતરની માગણી કરી હતી.

સૂત્રઓએ વધુમાં જણાવ્યું હતું કે, પીજીવીસીએલની 11 કેવીની લાઈનના વાયર જર્જરિત થઈ ગયા છે. અને કોઈ દુર્ધટના બને તે પહેલા મરામત કરવામાં આવે તેવી ખેડુતોની માગ ઊઠી છે. મિતિયાજ ગામના ખેડુતે પોતાની વાડીમાં સાત વિઘામાં શેરડીનો પાક તૈયાર કર્યો હતો. અને તેના સારા ભાવ ઉપજવાની આશા હતી. પણ હેવી વોલ્ટેજ ધરાવતો વીજ વાયર શેરડીના વાઢ પર તૂટી પડતા આગ લાગી હતી. અને જોતજોતામાં શેરડીનો તૈયાર પાક બળીને ખાક થઈ ગયો હતો. પીજીવીસીએલના તંત્રની બેદરકારી સામે ગામના ખેડુતોમાં રોષની લાગણી ઊભ થઈ છે. અને ખેડુતનો યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ ઊઠી છે.

Exit mobile version