Site icon Revoi.in

કચ્છની દરિયાઈ સરહદે હાઈ-એલર્ટ: મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ

Social Share

ભુજ, 5 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયા અને વિશ્વના અન્ય ભાગોમાં ચાલી રહેલી યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ભારતની પશ્ચિમી દરિયાઈ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. કચ્છના વ્યૂહાત્મક રીતે મહત્વના દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, કચ્છના અતિ સંવેદનશીલ ગણાતા દરિયાઈ પટ્ટી પર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને કોસા, લીમડીવાંઢ અને મોહાડી સુધીના વિસ્તારોમાં કમાન્ડો દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે શંકાસ્પદ હિલચાલને રોકવા માટે દરિયાઈ માર્ગે સતત રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ હાથ ધરાઈ રહ્યું છે.

વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિ અને દરિયાઈ માર્ગે સંભવિત જોખમોને જોતા કેન્દ્રીય અને રાજ્ય સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્કતા દાખવી રહી છે. કચ્છનો દરિયાઈ સીમાડો પાકિસ્તાન સાથે જોડાયેલો હોવાથી અહીં સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે અત્યાધુનિક સાધનો અને ફાસ્ટ એટેક ક્રાફ્ટ સાથે મરીન જવાનો તૈનાત છે.

માત્ર સૈન્ય જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે પણ સુરક્ષા જાળ મજબૂત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો તેજ કરાયા છે. સીમાવર્તી ગામોના લોકોને અને માછીમારોને વર્તમાન સ્થિતિ અંગે વાકેફ કરી જાગૃત કરવામાં આવ્યા છે. દરિયામાં કોઈ પણ અજાણી બોટ કે શંકાસ્પદ વસ્તુ દેખાય તો તુરંત સુરક્ષા દળોને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો: વિધાનસભા ચૂંટણી 2026: બૂથ પર હવે બીએસએફ જવાનો તપાસશે મતદારોના આઈડી કાર્ડ

Exit mobile version