Site icon Revoi.in

જીરૂમાં આગ ઝરતી ઐતિહાસિક તેજી, ગોંડલમાં મૂહુર્તના સોદા, મણના 36,001ના ભાવે ખરીદી !

Social Share

રાજકોટ :  રાજ્યમાં આ વખતે જીરાના પાકમાં પ્રતિકૂળ વાતાવરણની અસરને લીધે પાક ધારણા કરતા ઓછો ઉતરશે તેવી દહેશતને લીધે જીરાના ભાવ આસમાને પહોંચ્યા છે. ગોંડલ યાર્ડમાં નવી આવકના શ્રીગણેશ થતા ઇતિહાસના સૌથી ઉંચા ભાવ ચૂકવીને ખરીદી કરવામાં આવી હતી. યાર્ડમાં એક મણ નવાં જીરુંનો ભાવ માનવામાં ન આવે એવો રૂ. 36001 બોલવામાં આવ્યો હતો. અલબત્ત, આવો ભાવ માત્ર મુહૂર્ત માટેનો હતો છતાં ભાવ સાંભળીને વેપારીઓના મુખમાંથી આશ્ચર્યના ઉદગારો સરી પડયા હતા. જોકે જીરુંમાં ચાલુ વર્ષે તેજીનો માહોલ છે એને અનુલક્ષીને આવા ભાવ ક્વોટ કરવામાં આવ્યા હોઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરુંની 3 ગુણીની આવક થઇ હતી અને મુહૂર્ત માટે મણે રૂ. 36001ના ભાવથી ખરીદી કરવામાં આવી હતી.જોકે આ મૂહુર્તનો સોદો હોવાથી વધુ ભાવ આપવામાં આવ્યા હતા. એટલે માત્ર ત્રણ બોરી પુરતા જ આ ભાવ અપાયા હતા. ગોંડલ યાર્ડ હવે જીરું માટે પણ પ્રખ્યાત થઇ ગયું છે. સૌરાષ્ટ્રભરના ખેડૂતો માલ વેચાણ માટે આવી રહ્યા છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદર સહિતના ખેડૂતો  ગોંડલ યાર્ડમાં આવી રહ્યા છે. દરમિયાન જીરુંના ભાવમાં દિવાળી પછી તેજીનો પવન ફૂંકાયેલો છે અને હવે ભાવ રોજ નવા સીમાડા વટાવી રહ્યા છે. બોટાદ યાર્ડમાં ચાલુ સપ્તાહના આરંભમાં મણે રૂ. 7040ના ભાવથી કામકાજો થયા પછી આજે ઉંઝા માર્કેટ યાર્ડમાં નવો ઉંચો રૂ. 5700થી 7100નો રેકોર્ડબ્રેક ઉંચો ભાવ બોલાયો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જીરુંનું ઉત્પાદન ચાલુ વર્ષમાં નબળું હતું. નિકાસ બજારમાં માગ સારી છે અને હવે જે વાવેતર થયાં છે એમાં પણ 20-25 ટકા જેટલો ઘટાડો થવાને લીધે તેજીએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. તેથી ખેડૂતોને નવી સીઝનમાં પણ સારા ભાવ મળવાની શક્યતા છે.

Exit mobile version