Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી,મણિપુરની વર્તમાન સ્થિતિ વિશે જણાવ્યું

Social Share

દિલ્હી : હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની ચાર દિવસીય મુલાકાત પૂર્ણ કરીને રાજધાની દિલ્હી પરત ફરેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મીટિંગમાં બંને વચ્ચે શું થયું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે શાહે મુર્મુને મણિપુરની વર્તમાન પરિસ્થિતિ અને શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોથી વાકેફ કર્યા હતા.

એક ટ્વિટમાં શાહે કહ્યું, “આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સૌજન્ય મુલાકાત થઈ.” આ સાથે, તેમણે મીટિંગની એક તસવીર પણ શેર કરી. સતત ત્રણ દિવસ સુધી રાજ્યના વિવિધ હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા પછી, મેઇતી અને કુકી બંને સમુદાયોના પીડિતોને મળ્યા અને રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો સાથે ચર્ચા કર્યા પછી શાહે ગુરુવારે જાહેરાત કરી કે મણિપુરમાં વંશીય હિંસાની તપાસ હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ સ્તરના ન્યાયાધીશની અધ્યક્ષતામાં ન્યાયિક પંચની રચના કરવામાં આવશે.

આ ઉપરાંત, તેમણે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની રચના અને હિંસામાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને વળતર સાથે રાહત અને પુનર્વસન પેકેજની પણ જાહેરાત કરી. શાહે હિંસા માટે મણિપુર હાઈકોર્ટના “ઉતાવળા” નિર્ણયને જવાબદાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, “મણિપુરમાં ચાલી રહેલા સંકટનો એકમાત્ર ઉકેલ વાતચીત છે.”

મણિપુરમાં 3 મેના રોજ વંશીય સંઘર્ષ શરૂ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ પ્રથમ વખત પૂર્વોત્તર રાજ્યની મુલાકાત લીધી હતી. મણિપુરમાં ‘આદિવાસી એકતા માર્ચ’ પછી જાતિ હિંસા ફાટી નીકળી હતી. અનુસૂચિત જાતિ (ST)ના દરજ્જાની માગણી સાથે 3 મેના રોજ મેઇતી સમુદાયે વિરોધ કર્યા બાદ ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

મણિપુર લગભગ એક મહિનાથી જાતિય હિંસાથી પ્રભાવિત છે અને આ સમયગાળા દરમિયાન રાજ્યમાં અથડામણોમાં વધારો થયો છે. થોડા અઠવાડિયાની શાંતી પછી, ગયા રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે અથડામણમાં મૃત્યુઆંક વધીને 80 થઈ ગયો છે.