Site icon Revoi.in

ધોરણ 10 અને 12માં વધુ માર્કસ લાવવા કેવી રીતે પેપર લખવું, બોર્ડે જાહેર કરી આદર્શ ઉત્તરવહી

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.14મી માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાને લીધે ઘણાબધા વિદ્યાર્થીઓ ડર કે ચિંતા અનુભવી રહ્યા છે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી મુંઝવણ દુર કરવા માટે હેલ્પ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોન દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ માર્ક લાવવા માટે પેપર કઈ રીતે લખવું તે માટે આદર્શ ઉત્તરવહીઓ જાહેર કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં  16.49 લાખ લાખથી વધુ વિદ્યાર્થીઓ પહેલી વખત જ બોર્ડની પરીક્ષા આપવાના છે ત્યારે સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીના મનમાં એ પ્રશ્ન રહેતો હોય છે કે પેપર લખવું કેમ, પ્રેઝન્ટેશન કેમ કરવું, અક્ષર કેવા કરવા, પેપરમાં લાઈનિંગ કેટલી છોડવી. આ તમામ મૂંઝવણનો ઉકેલ ખૂદ શિક્ષણ બોર્ડે જ આપી દીધો છે. ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયની ત્રણ-ત્રણ આદર્શ ઉત્તરવહી જાહેર કરી છે. આ આદર્શ ઉત્તરવહીમાં વિદ્યાર્થીઓને પેપર કેવી રીતે લખવું, કઈ પેન વાપરવી, કેટલી જગ્યા છોડવી, પ્રેઝન્ટેશન કેમ કરવું તેવી અનેક બાબતોનો ખ્યાલ આવશે. શિક્ષણ બોર્ડના જ કેટલાક એવા વિદ્યાર્થીઓ જેમણે શ્રેષ્ઠ પેપર પ્રેઝન્ટેશન કર્યું છે, તેવા કેટલાક વિદ્યાર્થીઓની ઉત્તરવહી ઉદાહરણ સ્વરૂપે આ વર્ષના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ બોર્ડે ધોરણ 10ના વિદ્યાર્થીઓને આદર્શ પેપર કેમ લખી શકાય તે સમજાવવા માટે કુલ 6 વિષયની ત્રણ-ત્રણ આદર્શ ઉત્તરવહી જાહેર કરી છે. વિદ્યાર્થીઓ આ આદર્શ ઉત્તરવહી જોઈને બોર્ડની પરીક્ષામાં પેપર કેમ લખવું જે જોઈ શકશે. બોર્ડે જાહેર કરેલી આદર્શ ઉત્તરવહીમાં ગુજરાતી વિષય, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ગણિત, અંગ્રેજી અને સંસ્કૃત વિષયની ત્રણ-ત્રણ ઉત્તરવહી જાહેર કરી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ, ગણિત વિષયમાં દાખલાની પદ્ધતી અને વિજ્ઞાન વિષયમાં પ્રયોગોનું વર્ગીકરણ કેવી રીતે કરવું તે બાબતો આદર્શ ઉત્તરવહીમાંથી શિખવા મળશે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં કુલ 14 વિષયની ઉત્તરવહી શિક્ષણ બોર્ડે જાહેર કરી છે. જેમાં અર્થશાસ્ત્ર વિષયની 2 ઉત્તરવહી, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની 2, સંસ્કૃતની 2, આંકડાશાસ્ત્રની 2, તત્ત્વજ્ઞાનની 2, સમાજશાસ્ત્રની 1, મનોવિજ્ઞાનની, ભૂગોળ, નામાના મૂળતત્ત્વો, સેક્રેટરિયલ પ્રેક્ટિસ, ગુજરાતી, અંગ્રેજી (ફર્સ્ટ લેંગ્વેજ), હિન્દી વિષયની એક-એક આદર્શ ઉત્તરવહી જાહેર કરી છે જ્યારે અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજની 2 ઉત્તરવહી જાહેર કરી છે. શિક્ષણ બોર્ડે માત્ર ધોરણ-12 કોમર્સ અને આર્ટસના જુદા-જુદા 14 વિષયની આદર્શ ઉત્તરવહી બહાર પાડી છે. જો કે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નથી.(file photo)