Site icon Revoi.in

ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં અસંતોષ

Social Share

ભાવનગરઃ ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. ગત ચોમાસા દરમિયાન સારા વરસાદ અને રવિ સીઝનમાં સાનુકૂળ હવામાનને લીધે ડુંગળીના પાકનું બમ્પર ઉત્પાદન થયું છે. પરંતુ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હાલ ડુંગળી વેચવા માર્કટિંગ યાર્ડની બહાર પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે.  ભાવનગર શહેરના  માર્કેટિંગ યાર્ડમાં અંદાજીત 3.5 લાખથી વધુ ગુણીની આવક નોંધાઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું છે. જેમાં તળાજા અને મહુવા તાલુકામાં તો રેકર્ડબ્રેક ઉત્પાદન થયુ છે. હાલ છેલ્લા એક મહિનાથી ખેડુતો ડુંગળી વેચવા માટે ભાવનગરના માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે.ડુંગળીના એક ગુણીની માર્કટ યાર્ડમાં કિંમત માત્ર 350  રૂપિયા આસપાસ છે, એટલે કે એક મણ ડુંગળીના ખેડૂતોને માત્ર 50-60 રૂપિયા જ મળી રહ્યા છે, જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનુ કહેવુ છે કે આટલી કિંમતમાં ડુંગળીના ઉત્યાદનનો ખર્ચ પણ નિકળતો નથી, એટલે કે હાલ ગરીબોની કસ્તુરી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે.

ભાવનગર ઉપરાંત મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભારે આવક થઇ રહી છે. ત્યારે અચાનક જ ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. ડુંગળીના ભાવમાં એક જ રાતમાં ઘટાડો નોંધાયો હોવાનો ખેડૂતો જણાવી રહ્યા છે. અચાનક જ ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતો રોષે ભરાયા છે. ડુંગળીના ઘટતા ભાવ માટે ખેડૂતો માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓને જવાબદાર માની રહ્યા છે. હાલ તો ઘટતા ભાવથી પરેશાન ખેડૂતો ડુંગળીનો વધુ ભાવ આપવા માગ કરી રહ્યા છે.

 

 

 

Exit mobile version