Site icon Revoi.in

મારે ગામડાંને બચાવીને સુરક્ષિત કરવાં છે, એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે : મુખ્યપ્રધાન

Social Share

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ રાજ્યના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને ગામડાઓને કોરોનામુક્ત રાખવા હાથ ધરેલા રાજ્યવ્યાપી “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા સ્થિત ચેખલા ગામ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે ચેખલા ગામના ચોરેથી  સમગ્ર રાજ્યને હૈયાધારણા આપતા કહ્યું કે, આખી સરકાર અને સંસાધનો કોરોનાની સામે અને પ્રજાની પડખે છે. રાજ્યમાં તમામ સુવિધાઓ, સંસાધનો ઉપલબ્ધ છે એટલે કોઈએ પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. કોરોનાને હરાવવા સરકાર કટિબદ્ધ છે જરૂર છે.

મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, સંક્રમણની બીજી લહેર વ્યાપક અને ઘાતક છે. આ લહેરમાં આખાને આખા પરિવારો સંક્રમિત થવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે સાવચેતી એ સૌથી મહત્વનું પાસું છે. દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ સક્રિય છે અત્યારે રોજ નોંધાતા કેસોમાં દેખાયેલો ઘટાડો પુરવાર કરે છે કે આ અભિયાન થકી આપણા પ્રયાસો સાચી દિશામાં છે. આપણે સૌએ સાથે મળીને કોરોના સામે જંગ લડવાની છે અને સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાનું છે, તેના થકી જ આપણે કોરોના સામે લડત આપી શકીશું અને વિજય મેળવી શકીશું. કોરોનાથી ગામડાંઓને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાના હેતુથી જ “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન સાચી દિશા અને સાચી નિયત સાથેનું અભિયાન છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના ૧૬,૦૦૦થી વધુ ગામોમાં “ગ્રામ યોધ્ધા કમિટી” ની રચના કરાઇ છે. અંદાજે ૫૦ લાખથી વધુ લોકોનું વ્યક્તિગત સર્વેલન્સ હાથ ધરાયું છે જે અંતર્ગત પાંચ હજાર જેટલા દર્દીઓ આઇસોલેશનમાં છે. હાલ રાજ્યમાં પ્રતિદિન ૧.૪૦ લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ પૂરતિ સુવિધાઓ મળી રહી છે. હાલ રાજ્યમાં ઓક્સિજનની જરૂરીયાત રોજ ૧ હજાર ટનની છે અને સંભવિત મહત્તમ વિકટ પરિસ્થિતિમાં ઓક્સિજનની જરૂરિયાત વધશે તો તેને પહોંચી વળવા પણ પૂરતી તૈયારી છે. આ માટે કેન્દ્ર સરકાર પણ પૂરતી મદદ કરી રહી છે.