Site icon Revoi.in

પાંજરાપોળની જમીન મામલે તત્કાલિન કલેકટર લાંઘા સામે મેં જ તપાસના આદેશ આપ્યા હતા: રૂપાણી

Social Share

અમદાવાદઃ પાંજરાપોળની જમીન અંગેના આક્ષેપ મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાંજરાપોળની જમીન અંગે મારા વિષે કરાયેલા આક્ષેપ પાયાવિહોણા અને સત્યથી વેગળા છે. લાંઘા જ્યારે કલેક્ટર હતા ત્યારે તેમની વિરુદ્ધ મળતી ફરિયાદોને આધારે તેમના વિરુદ્ધ 6 જૂન 2020ના રોજ રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારા દ્વારા તેમની વિરુદ્ધની ફરિયાદની ફાઈલમાં તપાસ અંગે હસ્તાક્ષર કરી નિવૃત્ત અધિકારી વિનય વ્યાસને તપાસ સોંપવામાં આવી હતી અને તેના આધારે જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાલની સરકાર દ્વારા તપાસ કરાતા પ્રાથમિક રિપોર્ટ લાંઘા વિરુદ્ધનો પ્રસિદ્ધ થયો છે. લાંઘાં પોતાના વિરુદ્ધ થયેલા હુકમથી છંછેડાઈ, હાઈ પાવર કમિટીની જુઠ્ઠી વાતો ફેલાવીને સ્વબચાવ માટે અમને રાજકીય રીતે બદનામ કરવાનો દ્વેષયુક્ત પ્રયાસ કરી રહ્યા છે. ખરેખર સચ્ચાઈ હોય તો પોતાના નામે પ્રસિદ્ધ કરવાની હિંમત કરો, અનામી પત્ર લખીને રાજકીય રીતે બદનામ કરવાની કુચેષ્ટા બંધ કરવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, હાઈપાવર કમિટીની મિટિંગમાં ક્યારેય પાંજરાપોળની જમીન અંગે કોઈ ચર્ચા જ થઈ નથી. હાઈપાવર કમિટીની મીટીંગ નીતિવિષયક બાબતો માટે બોલાવવામાં આવે છે, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેતા હતા, આ બેઠક કોઈ વ્યક્તિગત કેસો માટે બોલાવવામાં આવતી નથી, જેથી પાંજરાપોળની જમીન અંગે હાઈપાવર કમિટીની બેઠકમાં ચર્ચા થઈ હોવાની લાંઘાંની વાત ઉપજાવી કાઢેલી અને તદ્દન જુઠ્ઠી છે. પાંજરાપોળની જમીન બાબતે ક્યારેય કોઈપણ મિટિંગ મળી જ નથી તેમ છતાં પોતાના પર લાગેલા આરોપોથી છૂટવા લાંઘાં મારા સહિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરકારના તમામ ઉચ્ચ પદાધિકારીઓ, પૂર્વ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલને આ સાથે જોડવાનો બાલીશ પ્રયત્ન કરી રહ્યા છે.