Site icon Revoi.in

બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા કેમ્પ પર હુમલો, મસૂદ અઝહરનો બનેવી યૂસુફ અઝહર ઠાર

Social Share

ભારતીય વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને પીઓકે અને પાકિસ્તાનના બાલાકોટ ખાતે કરવામાં આવેલી ભારતીય વાયુસેનાની કાર્યવાહી સંદર્ભે જાણકારી આપી છે. પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યુ છેકે 14મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં આતંકવાદી હુમલો કર્યો હતો અને તેમાં આપણા 40 જવાનો શહીદ થયા હતા. આ પહેલા પઠાનકોટમાં પણ જૈશ-એ-મોહમ્મદ તરફથી આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન હંમેશા આવા સંગઠનોની પોતાના દેશમાં હાજરીનો ઈન્કાર કરતું રહ્યું છે. પાકિસ્તાને ઘણીવાર પુરાવા પણ આપવામાં આવ્યા છે, પરંતુ તેણે આતંકવાદી સંગઠન વિરુદ્ધ આજ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. પાકિસ્તાનનું વલણ જોતા પગલા ઉઠાવવાની રણનીતિ તૈયાર કરી હતી.

વિજય ગોખલેએ કહ્યુ છે કે આજે સવારે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહીત ઘણા આતંકવાદીઓને ઢેર કરવામાં આવ્યા છે. આ એક અસૈન્ય કાર્યવાહી હતી. જેમાં આતંકવાદી સંગઠનોને નિશાન બનાવવામાં આવ્યા છે. ગોખલેએ કહ્યુ છેકે 20 વર્ષથી પાકિસ્તાન આતંકવાદની સાજિશ રચી રહ્યં હતું અને આતંકવાદી સંગઠનો પર આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વિજય ગોખલેએ કહ્યુ છે કે વિશ્વસનીય ઈન્ટેલિજન્સ દ્વારા જાણકારી મળી હતી કે દેશના વિભિન્ન વિસ્તારોમાં જૈશ-એ-મોહમ્મદ દ્વારા વધુ એક આત્મઘાતી હુમલાની કોશિશ થઈ રહી હતી. ફિદાઈન આતંકવાદીઓને આના માટે તાલીમબદ્ધ કરવામાં આવતા હતા. વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યુ છે કે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા કેમ્પ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યુ છે કે આજે સવારે ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ભારતે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા તાલીમ કેમ્પને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદમાં  મોટી સંખ્યામાં આતંકવાદી, પ્રશિક્ષક, સિનિયર કમાન્ડર, ફિદાઈન હુમલા કરનારા જેહાદીઓ માર્યા ગયા છે.

વિજય ગોખલેએ કહ્યુ છે કે બાલાકોટમાં મોટી સંખ્યામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી, ટ્રેનર, સિનિયર કમાન્ડરનો સફાયો કરવામાં આવ્યો છે. આ કેમ્પનું નેતૃત્વ મૌલાના યુસૂફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ગૌરી કરી રહ્યો હતો. ઉસ્તાદ ગૌરીએ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનો બનેવી હતો. ભારત સરકાર દ્વારા એર સ્ટ્રાઈક બાબતે આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સિવિલિયન કે પાકિસ્તાની સેના નહીં, પણ આતંકવાદીઓ નિશાના પર હતા.

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને પણ એક મોટી બેઠક બોલાવી છે.

ભારતીય ગૃહપ્રધાન રાજનાથસિંહ નોર્થ બ્લોક પહોંચ્યા છે. ગૃહ મંત્રાલયમાં આઈબી સહીત અન્ય મોટા અધિકારીઓ સાથે તેઓ બેઠક કરી રહ્યા છે. આ ઓપરેશન પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં વિસ્તારમાં કરવામાં આવ્યુ છે.

સૂત્રો દ્વારા મળી રહેલી જાણકારી મુજબ, પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં એક ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યો છે. તેના ગ્રાઉન્ડ લોકેશનની ઈન્ટેલિજન્સ સત્રો પાસેથી માહિતી મળી હતી. જાણકારી એ પણ છે કે કચ્છ સરહદે પાકિસ્તાનના એક ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યું છે. આ સિવાય એનએસએ અજીત ડોભાલ આ સમગ્ર એર સ્ટ્રાઈક ઓપરેશનને મોનિટર કરી રહ્યા હતા.