Site icon Revoi.in

સુરતમાં નવા બનાવેલા રોડ કે ડ્રેનેજ તૂટશે તો માત્ર એજન્સી જ નહીં અધિકારીઓ પણ જવાબદાર રહેશે

Social Share

સુરતઃ શહેરમાં કરોડોના ખર્ચે રોડ કે ડ્રેનેજ  બનાવવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાકટો અને અધિકારીઓની મીલીભગતથી મહિનાઓમાં રોડ તૂટી જતા હોય છે. રોડ પર ખાડાઓ અને ભૂવા પડતા હોય છે. ત્યારે હવે મ્યુનિ.કોર્પોરેશને ડ્રેનેજ લાઇન નાંખી હોય અને ત્યારબાદ રસ્તા તૂટી ગયા હોય તે તમામ ઘટનાઓમાં સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા તાકીદ કરી છે.

એસએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વરિયાવ સુએઝ પમ્પિંગ સ્ટેશનથી ભેંસાણ સુધી 1117 મીટરની ડ્રેનેજ લાઇન નાંખ્યા પછી માંડ 2 મહિના પહેલાં જ બનેલો રોડ જહાંગીરપુરા પટેલ નગર પાસે બેસી જવાની ઘટનામાં વિજિલન્સ તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા મ્યુનિની ડ્રેનેજ સમિતિએ સૂચના આપી હતી. સમિતિએ ડ્રેનેજ લાઇન નાંખી હોય અને ત્યારબાદ રસ્તા તૂટી ગયા હોય તે તમામ ઘટનાઓમાં સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ સાથે જ જહાંગીરપુરામાં તૂટેલા રોડ મામલે 10 દિવસે પણ કાર્યવાહી ન કરાતાં ડ્રેનેજ સમિતિએ સમગ્ર કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા માટે તાકીદ કરી હતી.

સૂત્રોના કહેવા મુજબ 1 જુલાઇના રોજ જહાંગીરપુરાના શિખર એવન્યુ તરફનો આશરે 300 મીટરનો રોડ સિઝનનો પહેલો વરસાદ પણ સહન કરી શક્યો ન હતો. 2 મહિના પહેલાં એક કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો હતો, જેમાં મોટી તિરાડો પડ્યા પછી ટ્રેન્ચ બેસી જતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. રોડ તૂટી જવા પાછળ પ્રોપર વોટરિંગ ન થવાનાં તારણ નિકળ્યાં હતાં.  જેને પગલે ડ્રેનેજ સમિતિએ વરિયાવ STPથી ભેંસાણ STP સુધીના 1117 મીટરના નવ નિર્મિત રોડની સ્ટ્રેન્થ ચકાસવા તાકીદ કરી હતી. પાલિકા કમિશનરને કરાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, જાહેર રસ્તા તૂટી જવાની ઘટનાઓ ગંભીર છે. તાજેતરમાં ડ્રેનેજ લાઇનની નવીનીકરણ કામગીરી થઇ હોય અને તે સ્થળે નવા બનેલા રોડ તૂટી ગયા હોય તેવા તમામ કિસ્સાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપી હતી. તપાસ બાદ શું કાર્યવાહી કરાઇ તેનો સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી

Exit mobile version