અમદાવાદઃ કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીના ઉમેદવાર શશી થરૂરે અમદાવાદની મુલાકાત દરમિયાન સાબરમતી આશ્રમ ખાતે પુજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી આશીર્વાદ મેળવ્યાં હતાં. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખના ઉમેદવાર તરીકે પ્રદેશના ડેલીગેટો સાથે મુલાકાત કરવા ગુજરાતમાં આવ્યો છું. સમગ્ર ભારતમાં કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પારદર્શક પ્રણાલીથી થાય છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા મધુસુદન મિસ્ત્રીજીએ આ ઉમદા પ્રણાલી બનાવી છે. સોમવારે તા. 17ના રોજ સમગ્ર દેશના પ્રદેશ ડેલીગેટ વોટીંગ કરશે. તે પહેલા ગુજરાત પ્રદેશના ડેલીગેટો સમક્ષ મારી વાત રજુ કરવા, મતદારોને સમજવા આવ્યો છું. અમે ઈચ્છીએ છીએ કે, કોંગ્રેસ પક્ષ હજુ મજબુત થાય અને તે માટે આ આંતરીક ચૂંટણી મહત્વની છે. કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધી ‘ભારત જોડો’ પદયાત્રા કરી રહ્યાં છે, જેનાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. દેશ માટે બલિદાન આપનારા ગાંધી પરિવાર એ કોંગ્રેસ પક્ષ માટે મુડી છે. અમારા બન્નેમાંથી કોઈપણ અધ્યક્ષ બને તે ગાંધી પરિવારથી દુર રહેવા નહીં માંગે. અમારા બન્નેમાંથી જે કોઈપણ જીતે અંતે કોંગ્રેસ પક્ષ વધુ મજબુત થશે. દેશની અન્ય પક્ષોએ પણ મજબુત લોકશાહી માટે અમારી પ્રણાલી અપનાવવી જોઈએ. ભાજપમાં લોકશાહી વિરુધ્ધ આંગળી ઉંચા કરે તેવા પસંદ કરી થોપવામાં આવે છે. કોંગ્રેસના બંધારણમાં જે કઈ લખ્યું છે તેને કરવા હું કટીબધ્ધતાથી કામ કરીશ.
તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસમાં અધ્યક્ષપદની ચૂંટણી સંપૂર્ણપણે લોકશાહી ઢબે યોજાઈ રહી છે બ્લોક લેવલથી પક્ષ કાર્યકર્તા મજબુત કરવા જરૂરી છે. કોંગ્રેસ મજબુત થશે તો જ ભારત મજબુત થશે. કોંગ્રેસ પક્ષમાં આવનારી કોંગ્રેસ સંગઠનની ચૂંટણી પક્ષને વધુ મજબુત કરશે. ચૂંટણીમાં દસ સિંદ્ધાંતોનો મેનીફેસ્ટ્રો તમામ પ્રદેશ ડેલીગેટ મતદારોને આપીએ છીએ. જેના મુજબ ચૂંટણી પ્રચારમાં સંગઠનમાં વધુ યુવાનો અને મહિલાઓ જોડાશે અને જવાબદારી નક્કી કરાશે. સંગઠનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ચૂંટણી થાય અને તેમાં પણ 12 સભ્યો કોંગ્રેસના સંવિધાન મુજબ ચૂંટાઈને આવે તેવી પ્રક્રિયા હશે. કોંગ્રેસ સંગઠનમાં વિકેન્દ્રીયકરણ કરીશું, કોંગ્રેસ પક્ષના પ્રદેશ કાર્યાલયને તમામ ગતિવીધીઓ – કાર્યોનું કેન્દ્ર સ્થાન બનાવવામાં આવશે. કોંગ્રેસ પક્ષના મૂળ સિધ્ધાંતો જેવા કે સમાવેશી ભારત, ધર્મનિર્પેક્ષતા, સ્વાતંત્ર્યતા, સામાજીક ન્યાય, રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબુત બનાવવામાં આવશે. કોંગ્રેસ પક્ષમાં કાર્યકર્તાઓની ભાગીદારી વ્યાપક કરવામાં આવશે જેવા દસ સિધ્ધાંતોનો ચૂંટણી ઢંઢેરો તમામ પ્રદેશ ડેલીગેટોને આપ્યો હતો.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ પ્રોફેન્સલ કોંગ્રેસના ચેરમેન નિદત બારોટ, પ્રદેશ મીડીયા પેનાલીસ્ટ હિરેન બેંકર, પાર્થિવરાજ કઠવાડીયા, અમિત નાયક, યુવરાજસિંહ રાણા ઉપસ્થિત રહ્યાં હતાં.

