Site icon Revoi.in

જુનાગઢના કેશોદ એરપોર્ટને પુનઃ શરૂ કરાશે તો પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે

Social Share

જૂનાગઢઃ  જિલ્લાના કેશોદ એરપોર્ટને વધુ એકવાર પુનઃ ધમધમતું કરવાની જાહેરાતથી આ વિસ્તારના વિકાસની તક ઉજળી બની છે.  છેલ્લા બે દાયકાથી બંધ પડેલા કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવામાં આવ્યા બાદ  સોરઠના વેપાર અને પ્રવાસન ક્ષેત્રને વિશેષ લાભ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ વૈશ્વિક પ્રવાસન અને વેપારને પ્રાધાન્ય મળે તે હેતુસર ઉડાન સ્કિમ હેઠળ દેશના પાંચ શહેરોમાં એરપોર્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પગલે સોરઠના પ્રવાસન ઉઘોગમાં નવી આશા જન્‍મી છે. જો વાસ્‍તવિક રીતે એરપોર્ટ ઘમઘમતુ થશે તો સોરઠના પ્રવાસન સાથે અત્રે મોટા પાયે વિકસેલ ઉઘોગોને ખાસ્સો ફાયદો થશે તેવું જાણકારો જણાવી રહ્યા છે. જૂનાગઢના કેશોદમાં નવાબીકાળના સમયમાં બનાવવામાં આવેલ એરપોર્ટ ઘણા સમયથી બંઘ હાલતમાં છે. જે ઘમઘમતુ કરવા અનેકવાર સ્થાનિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને ઉઘોગકારો દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા હતા. આ મુદો ગત વિઘાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે પણ ચર્ચામાં આવ્યો  હતો. દરમિયાન કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ઉડાન યોજના હેઠળ દેશના પાંચ શહેરોમાં એરપોર્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતનું કેશોદ, ઝારખંડનું દેવધર, મહારાષ્ટ્રનું ગોંદીયા અને સિંધુદુર્ગ, ઉતરપ્રદેશના કુશીનગર ખાતે એરપોર્ટ શરૂ કરવાનું જણાવાયું હતું.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, કેશોદ એરપોર્ટ શરૂ થવાથી અમદાવાદ, મુંબઇ, દિલ્‍હી સહિત દેશભરના વિવિઘ શહેરોને જોડતી ફલાઈટ ઉડાન ભરશે તેવી આશા ફરી જાગી છે. જો કેશોદ એરપોર્ટ શરૂ થશે તો તેનો સોરઠના પ્રવાસનક્ષેત્રને સારો એવો ફાયદો થશે. સોરઠના સાસણ, સોમનાથ, ગીરનાર રોપ-વે, દેવભૂમિ દ્વારકા સહિતના અનેક પર્યટન સ્થળોની મુલાકાતે આવતા દેશ-વિદેશના યાત્રિકોને ટ્રાવેલ કરવાનો એક સારો વિકલ્‍પ મળતો થશે. જેનો સીઘો ફાયદો સ્‍થાનિક પ્રવાસન ઉઘોગ સાથે જોડાયેલા નાના-મોટા વેપાર-રોજગારીને થશે. અત્યાર સુધી દેશ-વિદેશથી સોરઠના પ્રખ્‍યાત ફરવાલાયક સ્‍થળોએ આવતા યાત્રિકોને દીવ અથવા પોરબંદર એરપોર્ટ ઉતરવું પડતુ હતું. હવે જયારે કેશોદ ખાતે એરપોર્ટ શરૂ કરવાની જાહેરાત થઇ છે ત્‍યારે યાત્રિકો માટે ફરવાલાયક સ્‍થળોનું અંતર સાવ નજીક થઇ જશે.