Site icon Revoi.in

બાળકોને શારીરિક કે માનસિક ત્રાસ અપાયાની ફરિયાદ મળશે, તો શાળાની માન્યતા રદ કરાશે

Social Share

સુરતઃ શાળાઓમાં વિદ્યાર્થીઓને માનસિક કે શારીરિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. ખાસ કરીને ખાનગી શાળાઓમાં નાના ભૂલકાઓને લેસન ન લાવતા કે અન્ય કોઈ ભૂલ કરી હોય તો માર મારવાથી લઈને બેન્ચ પર ઊભા રાખવા જેવી શિક્ષા કરવામાં આવતી હોય છે. હવે બાળકોને માનસિક કે શારીરિક ત્રાસ આપ્યાની વાલીઓ દ્વારા ફરિયાદ મળશે, તો તપાસ કરીને કસુરવાર શાળાઓની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે. જિલ્લા શિક્ષણાધિકારાની ભલામણથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નિયમોને ધ્યાને રાખીને સ્કૂલની માન્યતા રદ કરી શકે છે

સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાજેતરમાં જ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ, કોઈ પણ શિક્ષક કે શાળા બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકશે નહિ. જિલ્લાની સ્કૂલોઓમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ કચેરીના ધ્યાને આવી હતી. જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મ વિશ્વાસ ગુમાવી બેસે છે. જો આવી કોઈ ઘટના બનશે તો સ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખીને ભલામણ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે. તથા આર્ટિસ્ટ એક્ટ-2009 અંતર્ગત ગુજરાત આરટીઇ રૂલ્સ-2012 સમગ્ર રાજ્યમાં અમલમાં છે. આર્ટિસ્ટ એકટ 2009ની કલમ 17ની જોગવાઈ મુજબ કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં. છતાં કેટલીક સ્કૂલોઓમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ બની હતી. જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. આથી આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. દરમિયાન આવી કોઈ ઘટના સામે આવશે તો પહેલા સ્કૂલને નોટીસ અપાશે, ત્યારબાદ  પણ ઘટના બનશે તો પેનલ્ટી થશે અને ફરી ઘટના બનશે તો સ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને શિક્ષણાધિકારીઓ ભલામણ કરી શકશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ઠેર ઠેર શિક્ષણ અને શિક્ષણની કામગીરીને લગતી બાબતોને લઇને વિવાદો ઉભા થયા છે. જેથી સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ પ્રકારના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે. તથા આર્ટિસ્ટ એક્ટ-2009 અંતર્ગત ગુજરાત આરટીઈ રૂલ્સ-2012 સમગ્ર રાજ્યમાં અમલમાં છે.