Site icon Revoi.in

પ્રોપર્ટી વેચનારાના પાન-આધારકાર્ડ લિન્ક નહીં હોય તો ખરીદનારાએ 20 ટકા ટીડીએસ ભરવો પડશે

income tax
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રોપર્ટીના વેચાણને લીધે સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે. કારણ કે નક્કી કરેલી જંત્રી પ્રમાણે લોકોએ દસ્તાવેજ કરાવવો પડે છે. ઉપરાંત પ્રોપર્ટીને વેચાણમાં એક ટકા મુજબ ટીડીએસની કપાત પણ થતી હોય છે. હવે જે લોકોએ પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિન્ક કરાવ્યુ નથી. એવા લોકો પોતાની પ્રોપ્રટી વેચે તો ખરીદનારાઓએ 20 ટકા ટીડીએસ ભરવો પડે છે. ઘણા પ્રોપર્ટીના દસ્તાવેજ કરનારાઓને આ નિયમની ખબર ન હોવાથી પ્રોપર્ટી ખરદનારાઓને નોટિસો મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આધાર અને પેન નંબર લિંક કરવાના ચક્કરમાં પ્રોપર્ટી ડીલ કરનારા ઘણા લોકો ટીડીએસના ચક્કરમાં ભરાઈ ગયા છે. જે લોકોએ માત્ર એક ટકા ટીડીએસ ચૂકવવાનો હોય તેમને 20 ટકા ટેક્સની નોટિસ મળી રહી છે કારણ કે પ્રોપર્ટી સેલરના કાર્ડ લિંક થયેલા નથી. આવી જ તકલીફ ભાડુઆતોની પણ છે.  આધાર કાર્ડ અને PANને લિંક ન કરનારા તકલીફમાં મુકાયા છે. હાલમાં રિયલ એસ્ટેટના સોદામાં પણ વેચાણકર્તાના પેન કાર્ડ અને આધાર લિંક થયેલા ન હોય તો ખરીદદારોને 20 ટકા ટેક્સ ચૂકવવા નોટિસ મળી રહી છે. પ્રોપર્ટી વેચનારના આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક થયા છે તેની ખાતરી કરવી જરૂરી છે નહીંતર ખરીદનારા પર  20 ટકા ટીડીએસનો બોજ આવી શકે છે. જો બંને કાર્ડ લિંક થયેલા હશે તો માત્ર એક ટકા TDS ભરવો પડશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઈન્કમ ટેક્સ એક્ટની જોગવાઈ પ્રમાણે 50 લાખ અથવા વધારે કિંમતની પ્રોપર્ટીનો સોદો થાય ત્યારે ખરીદનારે એક ટકા TDS કેન્દ્ર સરકારને ચૂકવવાનો હોય છે અને કુલ કોસ્ટના 99 ટકા વેચાણકારને ચૂકવવાના હોય છે. ત્યારબાદ વેચાણકાર તેને ક્રેડિટ તરીકે ક્લેમ કરી શકે છે. PAN નંબર અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 6 મહિના અગાઉ વીતી ગઈ છે. હવે આઈટી ડિપાર્ટમેન્ટે 50 લાખથી વધારે કિંમતની પ્રોપર્ટી ખરીદી હોય તેવા બાયર્સને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે અને તેમને 20 ટકા TDS ચૂકવવા જણાવ્યું છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના કહેવા મુજબ  સેંકડો ખરીદદારોને આવી નોટિસ મળી છે કારણ કે સેલરના આધાર કાર્ડ અને પેન કાર્ડ એકબીજા સાથે લિંક થયેલા ન હતા. પરિણામે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે પ્રોપર્ટી સેલર્સ, કોન્ટ્રાક્ટર્સ, દલાલો અને પ્રોફેશનલોને તેમના PAN અને આધાર લિંક કરવા જણાવ્યું છે. મોટા ભાગના કેસમાં પ્રોપર્ટી વેચનારના પેન અને આધાર લિંક થયેલા ન હોય ત્યારે તે નિષ્ક્રિય થઈ જાય છે. તેથી ખરીદદારોને થોડા મહિના પછી TDS ચૂકવવા માટે નોટિસ મળે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ વીતી ગઈ ત્યાર પછી પણ લગભગ 11.5 કરોડ જેટલા કાર્ડ લિંક કરવાના બાકી છે. તેના કારણે પાન નંબર ડિએક્ટિવેટ થઈ ગયા છે. વેચાણકર્તા પોતાના આધાર કાર્ડ અને પેન નંબરને લિંક કરાવે ત્યાર પછી પણ આવી નોટિસ પાછી નથી ખેંચાતી. કેટલાક કોન્ટ્રાક્ટરો, બ્રોકર્સ અને રિયલ એસ્ટેટ પ્રોફેશનલોને આવી નોટિસ મળી છે. આ ઉપરાંત વાર્ષિક 2.40 લાખથી વધારે ભાડું ચૂકવતા હોય તેવા કેટલાક ભાડુઆતોને પણ IT વિભાગે આવી નોટિસ આપી છે કારણ કે તેમના મકાનમાલિકોના આધાર અને પાન કાર્ડ લિંક થયેલા હોતા નથી.