નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) એ ભારતીય અર્થવ્યવસ્થાને લઈને અત્યંત સકારાત્મક સંકેતો આપ્યા છે. આઈએમએફ એ સ્પષ્ટ કર્યું છે કે તે ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં વધારો કરી શકે છે. તાજેતરના ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થાએ અપેક્ષા કરતા વધુ સારી ગતિ પકડી છે, જેના કારણે વૈશ્વિક વિકાસને વેગ આપવામાં ભારતની ભૂમિકા ફરી એકવાર મહત્વની સાબિત થઈ છે.
આઈએમએફના કોમ્યુનિકેશન ડિરેક્ટર જૂલી કોઝેકે વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, “વ્યાપક આંતરરાષ્ટ્રીય આર્થિક માહોલમાં અનિશ્ચિતતા હોવા છતાં, ભારત વૈશ્વિક વિસ્તરણને આગળ વધારી રહ્યું છે. અમે સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ કે ભારત વિશ્વ માટે એક મુખ્ય ગ્રોથ એન્જિન છે.”
ઉલ્લેખનીય છે કે, આઈએમએફ ની અગાઉની સમીક્ષામાં નાણાકીય વર્ષ 202-26 માટે ભારતનો વિકાસ દર 6.6 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આ અંદાજ મજબૂત ઘરેલું વપરાશ પર આધારિત હતો. જૂલી કોઝેકે જણાવ્યું કે ત્રીજા ત્રિમાસિકના આર્થિક આંકડા અપેક્ષા કરતા વધુ સારા આવ્યા છે, જેનાથી IMF નો ભરોસો વધ્યો છે. આગામી થોડા દિવસોમાં આઈએમએફ પોતાનો ‘વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક’ નો જાન્યુઆરી અપડેટ જાહેર કરશે, જેમાં ભારત માટેના સુધારેલા વિકાસ દરની જાહેરાત કરવામાં આવશે.
ઓઆરએફ અમેરિકાના સિનિયર ફેલો અનિત મુખર્જીએ IMF ના આ સંકેતને ભારતીય અર્થતંત્ર અને ગ્લોબલ ગ્રોથ માટે મહત્વના ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, “જ્યારે વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ ટેરિફ, પોલિસીમાં ફેરફાર અને સેન્ટ્રલ બેંકોની સ્વતંત્રતા જેવા મુદ્દે અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે, ત્યારે ભારતની મજબૂતી એક સુખદ આશ્ચર્ય છે.”
નિષ્ણાતોના મતે ભારતના આ શાનદાર પ્રદર્શન પાછળ ઘરેલું પરિબળો જવાબદાર છે. તહેવારોની સિઝન પહેલા જીએસટી (GST) માં ઘટાડા જેવા નિર્ણયોને કારણે ઉપભોગ વધ્યો છે. સરકારે બિનજરૂરી ખર્ચ ટાળીને નાણાકીય સ્થિરતા જાળવી રાખી છે. ભારતમાં ફુગાવો નિયંત્રણમાં હોવાથી અર્થતંત્રને વેગ મળ્યો છે. આમ, એપ્રિલ અને જૂનમાં ટેરિફના ઝટકાઓ છતાં ભારતીય અર્થતંત્ર માત્ર ટકી જ નથી રહ્યું, પરંતુ અપેક્ષા કરતા પણ ઉત્તમ પ્રદર્શન કરી રહ્યું છે.

