Site icon Revoi.in

પાકિસ્તાનમાં તોશાખાના કેસમાં સજાના આદેશ બાદ ઈમરાન ખાનને જેલમાં ધકેલી દેવાયા

Social Share

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં અદાલતે કસુરવાર ઠકાવીને 3 વર્ષની સજા ફરમાવી છે. સરકારી ભેટ પચાવી પાડવાના ચકચારી કેસમાં અદાલતના આદેશના ગણાતરીના કલાકોમાં જ પોલીસે ઈમરાન ખાનની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઈમરાન ખાનને લાહોરની લખપત જેલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તોશાખાના કેસમાં અદાલતે ઈમરાન ખાનને અદાલતે 3 વર્ષની સજાનો આદેશ કર્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.પોલીસે લાહોરના જમાં પાર્ક સ્થિત ઈમરાન ખાનના ઘરને ઘેરી લીધું હતું. તેના ઘર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. તરત જ પોલીસે ઈમરાન ખાનની ધરપકડ કરી અને તેને અનેક વાહનોના કાફલામાં જેલ તરફ લઈ ગઈ હતી. બીજી તરફ ઈમરાન ખાનના સમર્થકો રસ્તા ઉપર ઉતરી ના આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અદાલતના આદેશના પગલે આગામી દિવસોમાં પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણીમાં ઈમરાન ખાન ઉમેદવારી કરી શકશે નહીં. એટલું જ નહીં હવે ઈમરાન ખાનનું ફરીથી વડાપ્રધાન બનવુ પણ અશક્ય લાગી રહ્યું છે. દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફનું નિવેદન પણ આવ્યું છે. તેમણે આજના દિવસને પાકિસ્તાન માટે કાળો દિવસ ગણાવ્યો હતો. કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી તેમણે દર્શાવી હતી. ઈમરાન ખાનને કોર્ટમાંથી ત્રણ વર્ષની સજા સંભળાવ્યા બાદ રાજકીય સંકટ પણ મંડરાઈ ગયું છે.