Site icon Revoi.in

ભાવનગર અને અમરેલીના 409 ગામોમાં સિંહો માટે પાણીના પોઈન્ટ અને ઘાસના ઘર બનાવાશે

Social Share

ભાવનગરઃ ગીરના જંગલોમાં વનરાજોની વસતી વધતા હવે વનરાજોએ રેવન્યું વિસ્તારોમાં પણ વસવાટ શરૂ કર્યો છે. જેમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ સિંહોના આંટાફેરા વધી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો સિંહોએ પરિવાર સાથે વસવાટ પણ શરૂ કર્યો છે. ત્યારે ભાવનગર અને અમરેલી જિલ્લામાં સિંહનો જ્યાં વસવાટ છે. એવા વિસ્તારોના 409 જેટલા ગામડાં નજીક સિંહો માટે પીવાના પાણીના પોઈન્ટ તેમજ પડતર જમીનોમાં આફ્રિકા જેવા ઘાસના મેદાનોનું નિર્માણ કરવામાં આવશે. વહીવટી તંત્રની મંજૂરીથી પડતર જમીનોમાં વન તળાવ, ચેકડેમ અને ઘાસના મેદાનો બનાવવામાં આવશે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગીરથી ભાવનગર સુધી વિસ્તરેલા સાવજો ને ઘર મળે એ માટે લોક ભાગીદારીથી પ્રયાસો હાથ ધરાયા છે. 409 ગામોમાં પાણીના પોઇન્ટ અને આફ્રિકા જેવા ઘાસના મેદાનોનું નિર્માણ કરવામાં આવશે. વહીવટી તંત્રની મંજૂરીથી પડતર જમીનોમાં વન તળાવ, ચેકડેમ અને ઘાસના મેદાનો બનાવવામાં આવશે. જેના કારણે પાણીના તળ ઊંચા આવતા ખેત ઉત્પાદન વધશે અને ખેડૂતોને ફાયદો થશે. સાથે પાકનો નાશ કરતા જંગલી ભૂંડ અને નિલગાયના ત્રાસમાંથી પણ મુક્તિ મળશે. આ માટે વન વિભાગ દ્વારા લોક જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગોહિલવાડ પંથકમાં સિંહોની વસ્તી સતત વધી રહી છે. ગીરના સિંહો હવે છેક ભાવનગર સુધી આવી ચઢ્યા છે. 2005માં થયેલી સિંહની વસ્તીગણતરી વખતે જ્યારે કુલ 359 સિંહમાંથી ભાવનગર જિલ્લામાં 14 નોંધાયા હતા. 10 સપ્ટેમ્બર 2009ના રોજ એકસાથે 14 સિંહ દેખાયા હતા. એ વખતે પાલિતાણા, તળાજા અને મહુવા તાલુકાઓમાં કુલ 25 સિંહનો વસવાટ હતો. ભાવનગર જિલ્લામાં સિંહોની વસ્તી કૂદકેને ભૂસકે વધી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સિંહની વસ્તી વધ્યા બાદ તેમને યોગ્ય વાતાવરણ આપવાની પણ જરૂર છે. તેથી ભાવનગર સુધી પહોંચેલા સિંહોના રક્ષણ માટે વન વિભાગે શેત્રુંજી કન્ઝર્વેશન રિઝર્વ અંતર્ગત લોકભાગીદારી થકી પ્રયાસો શરૂ કરી દીધા છે. પીવાના પાણી અને રહેવા માટે આફ્રિકામાં હોય છે એવું ઘાસનું મેદાન મળી રહે એ માટે શેત્રુંજી કન્ઝર્વેશન રિઝર્વની યોજના બનાવી છે, જે અભ્યારણ નહીં હોય પણ તેમાં વનવિભાગ સિંહોને પીવાના પાણી માટેના પોઇન્ટ. ઘાસની વીડી જેવું બનાવી શકશે. આ વિસ્તારો એવા હશે જ્યાં નાગરિકોના તમામ હક્ક જળવાઇ રહેશે, તેની ફરતે ફેન્સિંગ પણ નહીં હોય અને પશુપાલકો, ખેડૂતો, સામાન્ય લોકો ત્યાં બેરોકટોક અવરજવર કરી શકશે. સિંહોને બચાવવા માટે લોકોનો સાથ પણ મેળવાશે ગામેગામે લોકોને સમજાવવામા આવી રહ્યાં છે. ભાવનગર જિલ્લાનાં 300 અને અમરેલી જિલ્લાનાં 109 ગામોને આવરી લેવાયા છે. આ ગામોમાં જે પડતર જમીન હોય એમાં કલેક્ટરની મંજૂરી મેળવીને જમીન હસ્તગત કરવાની હોય છે. અત્યારે વનવિભાગ ગામોમાં ફરીને તેના ફાયદા વિશે સમજાવી રહ્યો છે. જોકે, અત્યાર સુધીમાં ફક્ત 2 ગ્રામ પંચાયતોએ આ માટેની સહમતિના ઠરાવ કરીને મોકલ્યા છે.