Site icon Revoi.in

લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી, લોકોના વિશ્વાસને સુદ્રઢ કરે છેઃ ડૉ. નીમાબેન આચાર્ય

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ખાતે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય અને વિધાનસભા સચિવાલયના અધિકારી/કર્મચારીઓએ બંધારણ દિવસની ઉજવણી કરી હતી.

બંધારણ દિવસ નિમિત્તે સૌ ભારતીયોને શુભેચ્છા પાઠવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યે કહ્યું હતું કે, ભારતીય લોકતંત્રની આત્મા સમાન સંવિધાનના નિર્માણનો દિવસ એટલે બંધારણ દિવસ. લોકતંત્ર-લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી છે. દેશમાં સમાનતા-સ્વતંત્રતા-બંધુતા જળવાઇ રહેશે તો જ લોકશાહી વધુ મજબૂત બનશે. આપણું બંધારણ આપણી લોકશાહીને મજબૂત કરે છે અને સંસદીય પ્રણાલીમાં લોકોના વિશ્વાસને સુદ્રઢ કરે છે.

અધ્યક્ષાએ ઉમેર્યું  હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં તા.ર૬મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની પરંપરા ઊભી કરી તે અન્વયે આ દિવસ ઉજવાય છે જે સૌ ભારતીયો માટે ગર્વની વાત છે.

બંધારણના નિર્માણ કાર્યમાં કનૈયાલાલ મુનશી, ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તથા હંસાબહેન મહેતા, વિદ્યાલક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ જેવી મહિલાઓનું ઘણું યોગદાન રહેલું છે.

આ પ્રસંગે વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલે બંધારણની રચનાના વિચારથી શરૂ કરીને દેશમાં બંધારણના અમલ સુધીના ઇતિહાસની ઝાંખી આપી હતી.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષા અને વિધાનસભા સચિવાલયના અધિકારીઓ/ કર્મચારીઓએ ઉપસ્થિત રહી બંધારણના આમુખનું સમૂહ પઠન કર્યું હતું.