Site icon Revoi.in

થરાદના વડગામડા ખાતે રાત્રિ સભામાં લોકો સાથે સીધો સંવાદ કરીને મુખ્યમંત્રીએ લોકપ્રશ્નો સાંભળ્યા

Social Share

પાલનપુરઃ ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘરઆંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના  પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ સભા – ગ્રામ સભા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો, ગામ આગેવાનો, મહિલાઓ અને યુવાનો સાથે લોક સંવાદ કરી તેમના પ્રશ્નો, સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  વડગામડા પે.કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સવાંદ સાધ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, શૈક્ષણિક સહાય, કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. મુખ્યમંત્રીએ ગ્રામજનોની જમીન રી સર્વે, પાણી, રોડ રસ્તા,  કેનાલો, શિક્ષણ, ગામમાં સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટેનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

મુખ્યમંત્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોક સંવાદ કરતાં કહ્યું કે, સારું કામ તો થયું જ છે, પણ તમારી સમસ્યાઓ, મુશ્કેલીઓ અને શું જરૂરિયાત છે એ પણ કહેજો. પ્રજાને પડતી મુશ્કેલીઓ, પ્રશ્નો અને ફરિયાદનું નિરાકરણ આવે ત્યારે ગ્રામસભા અને આ લોક સંવાદ સાર્થક થાય એમ જણાવી મુખ્યમંત્રીએ લોકોને પોતાની રજુઆત કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગામના વિકાસ કામો સહિતના કામોમાં ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનો ની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દીકરીઓને ખૂબ ભણાવજો એમ કહીને ગ્રામ લોકોને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી ગ્રામજનોને આ બંને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે પર્યાવરણની સુરક્ષા અને વીજળીની બચત માટે આખા ગામને સોલાર સજ્જ બનાવવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવીન ટ્યુબવેલની ભેટ આપી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યું છે, જિલ્લાની પાણીની સમસ્યા માટે અને ખાસ કરીને થરાદ તાલુકામાં પાણીદાર આયોજન માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.  રાત્રિ સભા લોક સંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષક અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version