Site icon Revoi.in

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂ. 1.56 લાખ કરોડના 47 MoU સંપન્ન

Social Share

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે બુધવારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ 47 MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂ. 1.56  લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ માટે MoU કર્યા છે, તેની સાથે જ આ રોકાણથી ગુજરાતમાં આશરે 7.59  લાખથી વધુ રોજગાર સર્જન થવાની સંભાવના છે.

રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે MoU કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે, તેમાં અત્યાર સુધીમાં યોજાઇ ગયેલી એમ.ઓ.યુ. હસ્તાક્ષરની 14 શ્રૃંખલાઓમાં 100 MoU સાથે રૂ. 1.35  લાખ કરોડના સંભવિત રોકાણો થયા છે. તે ઉપરાંત આજે એમ.ઓ.યુ. હસ્તાક્ષરની 15મી શ્રૃંખલામાં 47 MoU સાથે રૂ. 1.56  લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ થયા છે. એટલે કે આજ દિન સુધી 147 MoU સાથે રૂ. 2.91  લાખ કરોડથી વધુના સંભવિત રોકાણો થયા છે.

બુધવારે કરવામાં આવેલા એમઓયુ અંતર્ગત મુખ્ય ક્ષેત્રો પૈકી એન્જિનિયરિંગ ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં રૂ.50.450  કરોડના અંદાજિત રોકાણ સાથે 9710 રોજગારનું સર્જન થશે. ઔધોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ ક્ષેત્રમાં રૂ. 2,900 કરોડના અંદાજિત રોકાણ સાથે 1.52  લાખ રોજગારનું સર્જન, ફાયનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રમાં રૂ. 50,500  કરોડના અંદાજિત રોકાણ સાથે 5.50 લાખ રોજગારનું સર્જન, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ ક્ષેત્રમાં રૂ. 9,645  કરોડના અંદાજિત રોકાણ સાથે  2895  રોજગારનું સર્જન, સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં રૂ. 22,824 કરોડથી વધુના અંદાજિત રોકાણ સાથે 41,430  રોજગારનું સર્જન, હેલ્થકેર અને ફાર્માસ્યુટીકલ્સ ક્ષેત્રમાં રૂ. 11,022  કરોડથી વધુના રોકાણ સાથે  6,200 રોજગારનું સર્જન તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂ. 800 કરોડના અંદાજિત રોકાણ સાથે 800 રોજગારનું સર્જન થશે.

નાણાં મંત્રી  કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં થયેલા આ એમ.ઓ.યુ. અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો સંભવતઃ 2023 થી 2028  વચ્ચે કાર્યરત કરશે. કચ્છ, ભરૂચ, ખેડા, અમદાવાદ, મહેસાણા, અમરેલી, વડોદરા, સુરત, પંચમહાલ, સાણંદ, ગાંધીનગર, ડાંગ, નવસારી અને રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગો શરૂ થશે. એમ.ઓ.યુ. હસ્તાક્ષર પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ  રાજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ  એસ. જે. હૈદર સહિત વરિષ્ઠ સચિવો તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.