Site icon Revoi.in

ગુજરાત પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવમાં ફરાર 45 આરોપીને મહિનામાં ઝડપી લેવાયાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધતું જતું હોવાથી તેમજ ગંભીર ગુનાઓના આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી આવા આરોપીને પકડવા માટે ડીજીએ સુચના આપતા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ યોજાઈ હતી.  જેમાં  28 દિવસમાં ગંભીર ગુનામાં ફરાર 45 આરોપીને ઝડપી લેવાયા હતા. તેમજ ગુનેગારો ઉપર લગામ લાવવા, ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળોના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ ઉપર નિયંત્રણ લાવવા ખાસ ઝુંબેશ કરાઈ હતી. જેમાં રાજયમાં કુલ 106 ગુનાઓ દાખલ કરી 114 આરોપીઓની ધરપકડ થઈ છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની સુચનાથી પોલીસ દ્વારા તા.1થી 28 ફેબ્રુઆરી સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પેશ્યલ ડ્રાઈવ માટે અધિક પોલીસ મહા નિદેશક (એન્ટી ટેરેરીસ્ટ સ્કોડ, કોસ્ટલ સિક્યુરિટી)ને સ્ટેટ લેવલ નોડલ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા હતા. તેમના માર્ગદર્શનમાં તમામ મહાનગરો અને જિલ્લા વિસ્તારોમાં એસઓજી, એલસીબી, ક્રાઈમ બ્રાંચના ખાસ અધિકારીઓની ટીમની રચના કરવા અને સ્પેશ્યલ ડ્રાઈવ સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ અને નાસતા ફરતા આરોપીઓ સહઆરોપીઓ વગેરેની  માહિતી એકત્ર કરી, તેઓની હાલની પ્રવૃત્તિ અંગે તપાસ હાથ ઘરી હતી.

આ અંગેના રાજ્યભરમાં કુલ 106 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં સુરત શહેરમાં 12 ગુના, મોરબી 10 ગુના, સાબરકાંઠા – કચ્છ પૂર્વ ગાંધીધામમાં સાત – સાત ગુના, સુરેન્દ્રનગરમાં 6 ગુના, અમદાવાદ શહેર,  મહેસાણા,  નર્મદા,  છોટા ઉદેપુર,  જામનગર, કચ્છ પશ્ચિમ, અને બનાસકાંઠામાં ચાર – ચાર ગુના,  તેમજ પાટણમાં 5 ગુના, સુરત ગ્રામ્ય, વલસાડ, અને  બોટાદમાં 3 – 3 ગુના,  દાહોદ,  જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં બે – બે ગુના તેમજ વડોદરા શહેર,  રાજકોટ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ખેડા નડીયાદ, ગાંધીનગર , અરવલ્લી,  વડોદરા ગ્રામ્ય,  ભરૂચ, તાપી વ્યારા,  રાજકોટ ગ્રામ્ય,   નવસારી,  દેવભૂમિ દ્વારકા,   પોરબંદર, તથા અમરેલીમાં એક – એક ગુના દાખલ કરાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઝડપાયેલા 114 આરોપીઓની ધરપકડ કરાઈ, જેમાં ખાસ કરીને જે આરોપીઓ ગુજરાત રાજ્યને અડીને આવેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાગી ગયા છે. તેવા આરોપીઓને ત્યાંની સ્થાનિક પોલીસની મદદ લઈને શોધી કાઢવા ખાસ એક્શન પ્લાન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. આ માટે ગુજરાતના સરહદી જિલ્લાઓના રેન્જ આઇ.જી.પી. દ્વારા ગુજરાતની સરહદને અડીને આવેલા રાજ્યના જિલ્લાઓના આઇ.જી.પી. સાથે પણ આ માટે સંકલન કરવામાં આવ્યું હતું. આમ પરિણામલક્ષી કામગીરી કરાઈ હતી.