Site icon Revoi.in

અમદાવાદને હેરિટેજસિટીનો દરજ્જો ભલે મળ્યો પણ બે વર્ષમાં 40 હેરિટેજ મકાનો જમીન દોસ્ત થઈ ગયા

Social Share

અમદાવાદઃ શહેરને હેરિટેજસિટીનો દરજ્જો મળ્યો છે. પણ શહેરમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 40થી વધારે હેરિટેજ મકાનો તોડી પાડીને ત્યાં નવું બાંધકામ કરી દેવાયું છે અથવા તો ત્યાં માત્ર ખુલ્લો પ્લોટ પડ્યો છે. હેરિટેજ મકાનને પુન: રિનોવેશન કરી હેરિટેજના લુક સમાન બનાવવાની વાતો વચ્ચે જ ટી-ગર્ડર પર બનતાં મકાનો ધરમૂળથી હેરિટેજ લુક બદલી નંખાતા હોવાનું જાણવા મળ્યુ છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરમાં 2039 મિલકતોનો હેરિટેજમાં સમાવેશ થાય છે. જેમાં 67 મિલકતોને સૌથી ગ્રેડ-1માં સમાવેશ થયો છે. તો 427 ગ્રેડ-2 એ વર્ગમાં સમાવેશ થયો છે. તો 1545 મિલકતોનો ગ્રેડ-3માં સમાવેશ થયો છે. શહેરની 175 પોળમાં આ 2039 મિલકતો હેરિટેજ છે. જોકે છેલ્લા બે વર્ષમાં જ 40થી વધારે મકાનો ધરાશાયી થઇ ગયા છે. નોંધનીય છેકે, 2019માં જ મ્યુનિ. દ્વારા આ રીતે હેરિટેજ મકાનો તૂટીને તેના બદલે અદ્યતન મકાનો બની ગયા હોય તેવા 31 મકાનોને નોટિસ આપી કેટલાકને તો તોડી પાડ્યા હતા. શહેરમાં અનેક હેરિટેજ મકાનોના માલિક જ્યારે રિપેરિંગ માટે મંજૂરી માગે છે ત્યારબાદ અનેક કિસ્સામાં તો તેનો લુક હેરિટેજ જેવો રહેતો જ નથી. આવા મકાનોનો બાદમાં કોમર્શિયલ તરીકે ઉપયોગ થતો હોય છે. જમાલપુરમાં ઘાંચીની પોળમાં બિલ્ડિંગને ટી-ગર્ડર પર રિનોવેશનની મંજૂરી આપ્યા બાદ તેનો લુક જ બદલાઈ ગયો છે.  સામાન્ય રીતે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી બનાવવા માટે મ્યુનિ. કમિશનર દ્વારા શહેરી વિકાસ વિભાગને દરખાસ્ત મોકલાય છે. આ સમિતિને પ્રતિ 3 વર્ષે રિન્યુ કરાય છે. જોકે આરટીઆઇ હેઠળ મળેલી માહિતી પ્રમાણે 2016 બાદ આ કમિટીને રિન્યુ કરવા માટે કોઇ કાર્યવાહી થઇ નથી. (file photo)