Site icon Revoi.in

અમદાવાદમાં 5 ખાનગી ટેલિફોન કંપનીનો ત્રણ કરોડનો ટેક્સ બાકી, AMC દ્વારા કડક પગલાં ભરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં પ્રોપર્ટી ટેક્સ કે પ્રોફેશનલ ટેક્સ ન ભરનારા સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આકરા પગલાં લેવામાં આવતા હોય છે. પરંતુ શહેરમાં પાંચ માબાઈલ ફોન કંપનીઓ પાસે રૂપિયા ત્રણ કરોડ રકમ બાકી હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી અને માત્ર નોટિસ ફટકારીને મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો સંતોષ માની રહ્યા છે. જો કે હવે મ્યુનિ.એ ટેલિકોમ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. પાંચ જેટલી ટેલિકોમ કંપનીઓનો વર્ષ 2022-23નો રૂ. 3 કરોડથી વધુનો ટેક્સ બાકી છે. જેને લઇ હવે ટેક્સ વિભાગ દ્વારા ઇજનેર વિભાગને જાણ કરવામાં આવી છે. કે, જ્યાં સુધી ટેલિકોમ કંપનીઓ દ્વારા બાકી ટેકની ભરપાઈ ન કરવામાં આવે ત્યાં સુધી કેબલ નાખવા માટે રોડ ખોદવાની પરમિશન આપવામાં આવશે નહીં.

શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે ભારતી એરટેલ, વોડાફોન, આઇડિયા, ટાટા ટેલી સર્વિસ, ગુજરાત ટેલીલિંક પ્રા. લી. અને રિલાયન્સ કોમ્યુનિકેશન જેવી ટેલિકોમ કંપનીઓનો રૂ. 3.05 કરોડનો ટેક્સ બાકી છે. ટેલિકોમ કંપનીઓને બાકી ટેક્સ તાત્કાલિક ભરવા બાબતે સંબંધિત ટેક્સ ઝોનલ કચેરી દ્વારા વારંવાર જાણ કરવામાં આવી છે. તેમજ છેલ્લી ચેતવણીની નોટિસ પણ આપવામાં આવી છે. તેમ છતાં કંપનીઓ દ્વારા ટેક્સની ચૂક્વણી કરવામાં આવી નથી. જેથી હવે પછી આ બાબત અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે કે, જ્યાં સુધી પૂરેપૂરા ટેક્સની વસૂલાત ના થાય ત્યાં સુધી આ ટેલિકોમ કંપનીઓને રોડ ઓપનિંગ પરમિટ (RO પરમિટ) આપવામાં આવશે નહીં, આ ઉપરાંત જો બાકી ટેક્સની ભરપાઈ ન થાય તો કલમ-45, 46 મુજબ નોટિસ બજાવી સીલીંગ તથા હરાજી સુધીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.