Site icon Revoi.in

અમદાવાદમાં વરસાદને લીધે તૂટી ગયેલા 300થી વધુ રોડના કામો હજુ પૂર્ણ કરાયા નથી

Social Share

અમદાવાદઃ ચોમાસાની વિદાય અને શિયાળાનું વિધિવત આગમન થઈ ગયું છે. પરંતુ ચોમાસા દરમિયાન વરસાદને લીધે તૂટી ગયેલા 300થી વધુ રોડ-રસ્તાના કામો હજુ પૂર્ણ કરાયા નથી. શહેરમાં તૂટેલા રોડ નવરાત્રીમાં બનાવી દેવાની બાંયધરી મ્યુનિ. સત્તાધીશોએ આપી હતી. દિવાળી બાદ પણ હજુ શહેરમાં 300 રોડની હાલત ખરાબ છે. દિવાળી પર વતન ગયેલા મજૂરો પાછા નહીં આવ્યા હોવાને કારણે આગામી એક સપ્તાહ સુધી રોડના કામ શરૂ થવાની કોઈ શક્યતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. દ્વારા 2021-22માં રોડ પ્રોજેક્ટ હેઠળ 60 મીટરથી મોટા 108 રોડને 452. 42 કરોડના ખર્ચે નવા બનાવવા તેમજ રિસરફેસ કરવાની કામગીરીનો નિર્ણય કરવામાં આ‌વ્યો હતો. નવેમ્બર સુધીમાં તે પૈકી 27 રોડની કામગીરી પૂર્ણ થઇ છે, જ્યારે 32 રોડની કામગીરી હજુ ચાલુ છે. જોકે 49 રોડની કામગીરીનું આયોજન હજુ હાથ પર લેવાયું નથી. ચોમાસામાં પડેલા ખાડામાં ઇજનેર વિભાગે નવેમ્બર સુધીમાં 27 હજાર ખાડા પૂરી દીધા હતા. તે ઉપરાંત 132 રોડને રિસરફેસ કરાયા છે. હજુ પણ 87 રોડનું કામ ચાલુ છે. સામે 366 રોડની કામગીરી કરવાની હજુ બાકી છે. આગામી દિવસોમાં 129 રોડ રિસરફેસ કરાશે.

સૂત્રઓએ ઉમેર્યું હતું કે, શહેરમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 102 રોડનું કામ બાકી છે. દક્ષિણ ઝોનમાં 90, પૂર્વ ઝોનમાં 74 રોડ બનાવવાના બાકી છે. નોંધનીય છેકે, દક્ષિણ ઝોનમાં 67 રોડની કામગીરી પૂર્ણ થઇ છે, સામે ઉત્તર ઝોનમાં 41 રસ્તાની કામગીરી પૂર્ણ થઇ છે. સામાન્ય રીતે દિવાળી પછી રોડના નવીનીકરણ અને રિસરફેસિંગની કામગીરી શરૂ થતી હોય છેકે, જોકે મજૂરો હાલ દિવાળીમાં વતનથી પાછા ન આવ્યા હોવાથી હજુ એક સપ્તાહ સુધી રોડ રિસરફેસની કામગીરી થવાની કોઈ શક્યતા નથી. (file photo)