Site icon Revoi.in

અમદાવાદમાં ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ મેળવવા નહીં, પણ હવે વેક્સિન લેવા લાઈનો લાગે છે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે બીજીબાજુ કોરોનાના ડરને કારણે લોકો હવે સ્વયંભૂ વેક્સિન લેવા માટે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા કોરોનાના ટેસ્ટિંગ કરાવવા, રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવા, ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ મેળવવા લોકોની લાઈનો લાગતી હતી. હવે વેક્સિન લેવા માટે લોકોની લાઈનો જોવા મળી રહી છે.

ગુજરાતમાં સતત ચોથા દિવસે દર્દીઓના ડિસ્ચાર્જનો આંકડો વધી રહ્યો છે. છેલ્લાં એક અઠવાડિયાથી જોઈએ તો, હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ છે. એમ્બ્યુલન્સની લાઈનો ઘટી ગઈ છે. સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ નથી. તો બીજી તરફ હોસ્પિટલોમાં હવે દર્દીઓ માટે બેડ પણ ઉપલબ્ધ છે. શનિવારે નવા 11892 નવા કેસ નોંધાયા હતા. તેની સામે ડિસ્ચાર્જ દર્દીઓનો આંકડો 14737 હતી . સતત ચોથા દિવસે ડિસ્ચાર્જની સંખ્યા વધી રહી છે.  જેથી કહી શકાય કે ગુજરાતમાં પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. એક અઠવાડિયામાં ગુજરાતમાં આ પોઝિટિવ ચેન્જ જોવા મળ્યો છે. જ્યાં ઓક્સિજન લેવા માટે લાઈનો પડતી હતી, ત્યા હવે વેક્સિનેશન માટે લાઈનો પડી રહી છે.  અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં વેક્સિનેશન ડ્રાઇવ થ્રુમાં સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગેલી છે. 45 વર્ષની ઉપરના અને 60 વર્ષ ઉપરના લોકો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમની બહાર વેક્સિન માટે લાઈન બાદ ફોર્મ ભરવાનું હોય છે. ત્યાર બાદ વેક્સિન આપવામાં આવે છે.  લોકોને વેક્સીન મેળવવા માટે લાંબી લાઈનમાં ઉભા ન રહેવું પડે અને પોતાની ગાડીમાં બેસી વેક્સીન લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરામાં આજે રવિવારના દિવસે પણ વેક્સિનેશન કાર્યક્રમ યથાવત રહ્યો હતો. નવી ધરતી અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન લેવા યુવાનોની લાઈન લાગી હતી. વેક્સિન લેવા લાઈનમાં ઊભા યુવાઓમાં વેક્સિનેશનને લઈ અનેરો ક્રેઝ જોવા મળ્યો છે. યુવાઓ અપીલ કરી રહ્યાં છે કે, કોરોનાને હરાવવા દરેકે વેક્સીન લેવી જોઈએ. સાથે જ યુવાઓએ વ્યથા પણ ઠાલવી કે, વેક્સિન લેવા એપોઇન્ટમેન્ટ સહેલાઈથી નથી મળી રહી. વેક્સિન હજારો લોકોને લેવી છે, પણ એપોઇન્ટમેન્ટ જ નથી મળી રહી.