Site icon Revoi.in

અમદાવાદમાં વિદ્યાસહાયકની ભરતીના ફોર્મ વેરિફિકેશનમાં અવ્યવસ્થા, ઉમેદવારોની લાઈનો લાગી

Social Share

અમદાવાદઃ  રાજ્યમાં વિદ્યાસહાયકની ભરતીના ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ ફોર્મ વેરિફિકેશનની પ્રક્રિયા માટે અમદાવાદ,રાજકોટ, ગાંધીનગર સહિત તમામ શહેરોમાં ભારે અવ્યવસ્થા જોવા મળી હતી. તંત્રની બેદરકારીને કારણે ઉમેદવારોને હેરાન થવાનો વારો આવ્યો છે.  અમદાવાદના રાયખડ બીઆરસી સેન્ટર ખાતે ઉમેદવારોની સવારથી લાંબી લાઈનો જોવા મળી હતી. ફોર્મ વેરિફિકેશન માટે ઉમેદવારોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું છે.

અમદાવાદના રાયખડ બીઆરસી સેન્ટર ખાતે સવારે મોટી સંખ્યામાં ઉમેદવારો વિદ્યાસહાયક ભરતીના ફોર્મનું વેરિફિકેશન કરાવવા આવતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. સવારથી ઉમેદવારો લાઈનમાં લાગી ગયા હતા પરંતુ વેરિફિકેશન માટેની બારીઓ સરકારી સમય મુજબ 11 વાગ્યે ખુલી હતી. બારીઓ ખુલતા ઉમેદવારોએ વેરિફિકેશન માટે પડાપડી કરી હતી. એક ઉમેદવારના ફોર્મ વેરિફિકેશન માટે 15થી 20 મિનિટનો સમય લાગે છે. જેના કારણે ઉમેદવારોને 5થી 6 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે. જ્યારે ટોકન સિસ્ટમને કારણે ઉમેદવારો રઝળી પડ્યા હતા. એક દિવસના 400થી 500 ઉમેદવારોને જ ટોકન આપવામાં આવે છે. જેની સામે એક હજારથી વધારે ઉમેદવારો આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા ટોકન લેવા માટે હજારો ઉમેદવારોની લાઇન લાગી હતી. આજના ટોકન પુરા થઇ જતા લાઈનમાં ઉભા રહેલા ઉમેદવારોને 14 અને 15 તારીખના ટોકન આપવામાં આવ્યા હતા. એક હજારથી વધારે ઉમેદવારો ટોકન લેવા માટે સવારથી લાઈનમાં ઉભા હતા. અવ્યવસ્થાના કારણે ઉમેદવારોને ફોર્મ વેરિફિકેશન માટે ત્રણ ત્રણ ધક્કા ખાવા પડે છે. આજે ટોકન લેવા આવનારા ઉમેદવારોને સોમવાર અથવા મંગળવારે ફોર્મ વેરિફિકેશન કરવા માટે આવવાનું કહેવામાં આવે છે. જેના કારણે બહારગામથી આવતા ઉમેદવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદના રાયખડ બીઆરસી સેન્ટર ખાતે સવારે મોટી સંખ્યામાં ઉમેદવારો વિદ્યાસહાયક ભરતીના ફોર્મનું વેરિફિકેશન કરાવવા આવતા ભારે અવ્યવસ્થા ઉભી થતા ઉમેદવારોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો. 3300 વિદ્યાસહાયકોની ભરતી માટે સમગ્ર રાજ્યમાંથી 1.80 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. બીજી તરફ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ ઉમેદવારોને હેરાનગતિ કરવામાં આવી રહી છે. જે ઉમેદવારો પાસે ગ્રેડ પદ્ધતિની માર્કશીટ છે તેમને ગ્રેડને બદલે જે તે યુનિવર્સિટી માંથી કુલ ગુણ અને મેળવેલા ગુણનું લખાણ લેવા માટે કહેવામાં આવે છે. જેના કારણે ત્રણ ત્રણ દિવસથી ઉમેદવારો હેરાન થઈ રહ્યા છે. રાજકોટ, ગાંધીનગર સહિત તમામ સ્થળોએ ઉમેદવારોને હેરાનગતિ થઈ રહી છે.