Site icon Revoi.in

અમદાવાદના જમાલપુર ફુલ બજારમાં ફુલોની આવક વધતાં ભાવમાં થયો 30 ટકાનો ઘટાડો,

Social Share

અમદાવાદ:  ઉનાળાની સીઝનમાં શાકભાજી, ફળફલાદી અને ફુલોની આવકમાં ઘટાડો થતો હયો છે. પરંતુ રામનવમીના પર્વને લીધે ફુલોની માગ કરતા વધુ આવક થતાં ફુલોના ભાવમાં સરેરાશ 30 ટકાનો ઘટાડો કરવાની વેપારીઓને ફરજ પડી હતી. અસહ્ય ગરમીને લીધે ફુલોને વધુ સમય રાખી શકાતા નથી. અને વેપારીઓએ ખેડુતો પાસેથી જે માલ ખરીદ્યો હોય તેનું તે દિવસે વેચાણ કરી દેવું પડે છે.એટલે ફુલોની માગ કરતા આવક વધી જતાં ફુલોના ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી.

અમદાવાદના જમાલપુર સ્થિત આવેલા ફૂલ બજારમાં રામનવમીના પવિત્ર પર્વ પર ફૂલોની માંગ અને જથ્થામાં વધારો થતા ફૂલોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ગુલાબ, ટગર, હજારીગલ, ડમરો, જાસ્મીન, મોગરો, કેસૂડો વગેરે ફૂલોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ફૂલોનો ભાવ ફૂલોની માગ અને જથ્થા આધારે નક્કી કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં ફૂલ બજારમાં ફૂલોની આવક દૈનિક 10 થી 15 ક્વિંટલ સુધીની થતી હોય છે. પરંતુ વાર-તહેવારે ફૂલોની આવક બમણી થઈ જતી હોય છે. જ્યારે ગત સપ્તાહમાં ફૂલોના ભાવમાં 3 થી 4 ગણો ઉછાળો જોવા મળ્યો હતો. ઉનાળાની ગરમી જેમ જેમ વધશે તેમ તેમ ફૂલોના ભાવ પણ ઉંચકાશે તેવી શક્યતા રહેલી છે.

જમાલપુર ફૂલ બજારમાં બુધવારે ફૂલોના ભાવની વાત કરીએ તો ગુલાબ 160 રૂપિયા પ્રતિ કિલો, છૂટા ગુલાબ 50 થી 120 રૂપિયા પ્રતિ કિલો, કેસૂડો 300 રૂપિયા પ્રતિ કિલો, ટગર 200 થી 300 રૂપિયા પ્રતિ કિલો, ડમરો 35 થી 40 રૂપિયા પ્રતિ કિલો, હજારીગલ 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો, એન્થુરિયમ 150 રૂપિયા પ્રતિ કિલો, કાર્નેશન 200 રૂપિયા પ્રતિ કિલો અને ઝેનિયા 40 થી 45 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો.આ સિવાય જાસ્મીન 200 રૂપિયા પ્રતિ કિલો, મેરીગોલ્ડ 70 રૂપિયા પ્રતિ કિલો, ઓર્કિડ 180 રૂપિયા પ્રતિ કિલો, ડેઝી 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો, મોગરો 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો, જરબેરા 300 રૂપિયા પ્રતિ કિલો, પારસ 40 થી 60 રૂપિયા પ્રતિ કિલો, સેવંતી 310 રૂપિયા પ્રતિ કિલો તથા કમળનું એક ફૂલ 15 રૂપિયા અને લીલીની એક ઝૂડી 15 થી 20 રૂપિયાના ભાવ બોલાયાં હતા.

ફૂલ બજારના વેપારીઓના કહેવા મુજબ વાર-તહેવાર આવતાની સાથે ફૂલોની આવક વધી જાય છે. આ સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આમ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટતા ફૂલોની આવક પણ વધી ગઈ હતા. કારણ કે ઉનાળાની કાળઝાળ ગરમીના લીધે ફૂલો શુષ્ક બની જાય છે. ફૂલોના ભાવમાં થતી વધ-ઘટ તેના માંગ અને જથ્થા આધારિત નક્કી કરવામાં આવે છે. તેમજ ફૂલોની ખેતી કરતી વખતે જરૂરી પાણી, ટ્રાન્સપોર્ટ ચાર્જ, આયાત-નિકાસનો ખર્ચ, બદલાતા હવામાન વગેરે પરિબળોના લીધે પણ ફૂલોના ભાવમાં વધારો-ઘટાડો જોવા મળતો હોય છે.