Site icon Revoi.in

બનાસકાંઠામાં બટાકાની ખેતીમાં ફાર્મિંગ કોન્ટ્રાક્ટની તુલનાએ માર્કેટમાં વધુ ભાવ મળતા ખેડુતો ખૂશ

Social Share

બનાસકાંઠા: ગુજરાતમાં બટાકાની ખેતી માટે બનાસકાંઠા જિલ્લો અગ્રીમ ગણાય છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 52 હજાર કરતાં વધુ હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું હતું. જેમાં 40 ટકા કરતાં વધુ પ્રોસેસિંગ વેરાઈટીનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું. જેના ડીસાના ખુલ્લા બજારમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોથી પણ વધુ ભાવ મળતા  ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે અંદાજિત 52 હજાર હેક્ટર વિસ્તારમાં ખેડૂતો બટાકાનું વાવેતર કરે છે. જેમાં સૌથી વધુ ડીસા તાલુકામાં 36 હજાર હેકટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થાય છે. બટાકાની ખેતી સૌથી મોંઘી ખેતી માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી બટાકાના ભાવ ન મળવાના કારણે ચાલુ વર્ષે 40% ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી બટાકાની ખેતી કરી હતી. આ વર્ષે ખાદ્ય પદાર્થમાં ઉપયોગ થતા બટાકાનું વાવેતર ખૂબ જ ઓછું થવા પામ્યું હતું. ડીસા માર્કેટ યાર્ડમાં ગત વર્ષે 05/01/ 2023 થી 27/03/ 2023 સુધી મુખ્ય માર્કેટમાં બટાકાની સ્વતંત્ર હરાજી કરાઇ હતી. જેમાં 3 લાખ 3 હજાર 64 કટ્ટાની આવક નોંધાઇ હતી. જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 68 રૂપિયાથી લઈ 183 રૂપિયા સુધીનો રહ્યો હતો. તેમજ ઓન એવરેજ ભાવ 122 રૂપિયાનો હતો. જેમાં સૌથી ઊંચો ભાવ 285 રૂપિયા રહ્યો હતો. તેમજ સૌથી નીચો ભાવ 35 રૂપિયા નોંધાયો હતો. સૌથી વધુ બટાકાની આવક 19/02/2023 ના રોજ 12,228 કટ્ટા નોંધાઈ હતી. જ્યારે ચાલુ વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં 07/01/2024 થી 26/03/2024  બટાકાની હરાજી કરાઇ હતી જેમાં અત્યાર સુધી 1 લાખ 74 હજાર કરતા વધુ બટાકાના કટ્ટાની આવક નોંધાઈ હતી.પ્રતિ 20 કિલોના 102 થી 345 રૂપિયા બોલાયા હતા.આમ ગત વર્ષની તુલનાએ ખેડુતોને સારા ભાવ મળ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી બટાકાની ખેતી કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે આ વર્ષે 40% ખેડૂતો પ્રોસેસિંગ વેરાઈટીનું વાવેતર કર્યું હતું જેમાં એલ.આર, સંતાના, પેપ્સીકો જેવા પ્રોસેસિંગ બટાકાનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોએ વાવેતર કર્યું હતું તેના ભાવ 250 થી 270 રૂપિયા નોંધાયા હતા તેમજ ડીસા માર્કેટ યાર્ડના ખુલ્લા બજારની અંદર ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિગ કરતા પણ વધુ 345 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.