Site icon Revoi.in

ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટની ડ્રેનેજમાં સફાઈ માટે ઉતરેલા સફાઈ કામદારનું ઝેરી ગેસને લીધે મોત

Social Share

ભાવનગર:  શહેરના સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસમાં ડ્રેનેજ સફાઇની કામગીરી ચાલતી હતી. જેમાં 2 કર્મચારીઓ  ડ્રેનેજની સફાઇ કરવા ઉતાર્યા હતા. જેમાં ટાંકામાં કોઈ પ્રકારના ગેસ ગળતરથી ગૂંગળાઈ જતાં મ્યુનિ.ના એક સફાઈ કામદારનું મોત નિપજ્યું હતુ. આ બનાવથી સફાઈ કામદારોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.  સુપ્રીમ કોર્ટની મનાઈ હોવા છતાં ડ્રેનેજમાં કયા અધિકારીની સૂચનાથી આ કામદાર અંદર ઉતર્યો હતો અને તેમાં જે અધિકારી જવાબદાર હોય તેની સામે પગલાં લેવા મૃતકના પરિવારે માંગ કરી હતી.

ભાવનગર શહેરમાં આવેલી સોલ્ટ રિસર્ચ સેન્ટરમાં ડ્રેનેજની સફાઈ માટે ગટરમાં એક કર્મચારી ઊતર્યો હતો, જે ઝેરી અસરને પગલે ગૂંગળામણ થતાં બેભાન થયો હતો, જેથી ત્યાં હાજર રહેલો મ્યુનિ.નો એક સફાઈ કામદાર પોતાના સાથીદારને બચાવવા માટે તાત્કાલિક ગટરમાં ઊતર્યો હતો. જોકે તેને પણ ગેસ ગળતરની અસર થવા લાગી હતી. એને લઈ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી, જેથી તત્કાળ ફાયરની ટીમે તે બન્નેનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બચાવવા ઊતરેલા સફાઈ કામદારનું મોત થયું છે, જ્યારે અન્ય સફાઈ કામદારની સારવાર ચાલી રહી છે.

ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટમાં બનેલી આ ઘટનાની જાણ મૃતકના પરિવાર અને સમાજને થતા મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકઠા થયા હતા અને જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી હતી. અહીં ભીમ સેનાના આગેવાને  જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ ડ્રેનેજ સફાઈમાં કર્મચારીને ગટરમાં ઉતારવા ઉપર મનાઈ કરવામાં આવી છે, ત્યારે આ વ્યક્તિને કોના આદેશથી ગટરમાં ઉતારવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ ફાયરને કરતા ફાયર બ્રિગેડના કાફલાએ બન્ને ને ગટરના ટાંકામાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા, જેમાં રાજેશ નામના વ્યક્તિને ડોકટરે મૃત જાહેર કર્યો હતો, ઘટનાના પગલે પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેમાં ઘટના બાદ લાંબા સમય સુધી મ્યુનિ.ના કમિશનર કે કોઈ અધિકારી નહીં આવતા લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો, ભારે હોબાળા બાદ આખરે કમિશનર, મેયર તેમજ ચેરમન સહિતના હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.