Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં 357 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થતાં વહિવટદારનું શાસન

Social Share

ભાવનગરઃ  જિલ્લાની કુલ 664 પૈકી 357 ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં થવાને કારણે તમામ 357 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે.  એટલે કે ભાવનગર જિલ્લામાં અડધો અડધ ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન છે. તલાટીઓ જ વહીવટદાર હોવાને કારણે ગ્રામજનોને પણ હાલાકી વેઠવી પડે છે.

ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોના સરપંચ, ઉપ સરપંચ અને સભ્યો માટેની ચૂંટણી યોજવા સરકારને રજુઆતો પણ કરવામાં આવી હતી. પણ સરકારને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં જાણે કોઈ રસ ન હોય એવો જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ થઈ રહ્યો છે. લોકસભા, વિધાનસભા, જિલ્લા-તાલુકા પંચાયત અને મ્યુનિ. કોર્પોરેશન કે  નગરપાલિકાની ચૂંટણી જેટલું મહત્વ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પણ છે. લોકશાહીનો પાયો ગ્રામ પંચાયતમાં જ રહેલો છે. પરંતુ ધીરે ધીરે અધિકારીરાજ લાદવાનો પ્રયાસ થયો હોય તેમ ગ્રામ પંચાયતોની બોડીની મુદ્દત પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા ચૂંટણી જાહેર કરાતી નથી. જેથી ગ્રામ પંચાયતની સર્વ સત્તા વહીવટદાર એટલે કે હાલમાં તલાટી મંત્રીઓને સોંપવામાં આવી છે. હાલમાં એવી પરિસ્થિતિ થઈ છે કે, ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની બંનેની સત્તા તલાટી મંત્રી પાસે છે. ઘણાબધા ગામડાંઓમાં તો બે-ત્રણ ગામ વચ્ચે માત્ર એક જ તલાટી-મંત્રી હોય છે. ઉપરાંત વહિવટદારની જવાબદારી પણ હોય છે. ગ્રામજનો પંચાયતની કચેરીએ કામ માટે જાય ત્યારે તલાટી હાજર હોતા જ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં એપ્રિલ 2022 થી ગ્રામ પંચાયતોની મુદ્દત પૂર્ણ થતા વહીવટદાર શાસન શરૂ થયું છે. એપ્રિલ 2022 માં 280 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ ધીરે-ધીરે જુદી જુદી તારીખોમાં ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતા ડિસેમ્બર 2023 સુધીમાં 357 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી નહીં થવાને કારણે વહીવટદાર મૂકવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતો ઉપરાંત ભાવનગર જિલ્લાની બે નગરપાલિકામાં પણ ચૂંટણીના અભાવે વહીવટદારની સત્તા છે. વહીવટદાર શાસનને કારણે ગ્રામજનોના પ્રશ્નો પણ ટલ્લે ચડતા હોય છે અને વિકાસ કામો પણ રૂંધાઇ રહ્યા છે. અને ઘણા ગામોના વિકાસ કામોમાં તો તલાટી મંત્રીઓ કોન્ટ્રાક્ટરના ભાગીદાર પણ બની ગયા હોવાના આક્ષેપો થાય છે. જેથી સ્વાભાવિક પણે જ વિકાસ કામો પણ નબળી ગુણવત્તાના થાય છે. જ્યારે ઘણા ગામોમાં વહિવટદાર શાસનને કારણે લાંબા સમયથી વિકાસ કામો જ થયા નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, તલાટી મંત્રીઓને તલાટી અને વહીવટદાર બંનેની જુદા જુદા ગામોમાં જવાબદારી સોંપવામાં આવેલી હોવાથી વહીવટદાર તરીકે જે ગામોમાં મૂક્યા હોય તે ગામોમાં કાગળ પર મુલાકાત દેખાડતા હોવાના પણ બનાવો બન્યા છે. ટુર ડાયરીમાં જે તે ગામમાં જતા હોવાનું દર્શાવ્યું હોય પરંતુ વાસ્તવમાં ત્યાં ગયા પણ ન હોય. જેને કારણે જ ગ્રામજનોને પણ પોતાના ગામમાં કોણ વહીવટદાર છે તેનો ખ્યાલ હોતો નથી. અને ગ્રામજનોને કામ કરાવવા માટે તાલુકા પંચાયતોમાં ધક્કા ખાવા પડે છે.